Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સિવિલ કોવિડ હોસ્પિટલના ૬૦ બોન્ડેડ તબિબો બે મહિનાથી પગાર વિહોણા

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ પગાર અટકાવી રખાતાં ભારે હાલાકીઃ કલાસવન ઓફિસરમાં ગણાતાં તબિબોમાં ભારે રોષ

રાજકોટ તા. ૩: સિવિલ હોસ્પિટલમાં  કોવિડ હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારથી સતત કલાસવન બોન્ડેડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ૬૦ જેટલા તબિબો જીવના જોખમે અને પરિવારજનોની પણ ચિંતા કર્યા વગર માત્ર દર્દી નારાયણોને સાજા કરવા માટે સતત ફરજ બજાવી રહ્યા છે. પરંતુ કોઇપણ કારણોસર છેલ્લા બે મહિનાથી આ તબિબોનો પગાર અટકી જતાં તબિબોમાં ભારે રોષ ફેલાયો છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં રાત દિવસ જોયા વગર જીવના જોખમે ફરજ બજાવતાં તબિબોને દિવાળીનો તહેવાર માથે છે ત્યારે જ પગાર નહિ મળવાને કારણે તબિબોની હાલત કફોડી બની ગઇ છે. આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સિવિલ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાની ફરજ પર કલાસવન કક્ષાના ૬૦ બોન્ડેડ તબિબો નવેક મહિનાથી ફરજ બજાવી રહ્યા છે. અગાઉ નિયમિત પગાર ચુકવી આપવામાં આવતો હતો. પરંતુ છેલ્લે ગત સપ્ટેમ્બર મહિનાની ૧૮મી તારીખે પગાર મળ્યો હતો. એ પછીથી આજ સુધી પગાર ચુકવવામાં આવ્યો નથી.

સપ્ટેમ્બર મહિનામાં બોન્ડેડ ઓફિસર્સ તબિબોએ પગાર નહિ મળવા બાબતે રજૂઆત કરતાં ગ્રાન્ટનું કારણ આગળ ધરીને દસેક દિવસમાં પગાર મળી જશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ એ પછી ગયા મહિને પણ પગાર નહોતો મળ્યો અને આ મહિને પણ પગાર હાથમાં ન આવતાં તબિબો મુંજવણમાં મુકાઇ ગયા છે. અગાઉ સાડા સાત કરોડની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવાઇ હતી. જો કે એમાં તબિબોના પગારની રકમ નહોતી. હવે ફરીથી એક ગ્રાન્ટ મંજુર થવાની હતી. પણ તે અટકી ગયાનું કહેવાય છે.

બોન્ડેડ તબિબી ઓફિસરનો ફિકસ પગાર એંસી હજાર નક્કી થયેલો છે. સાઇઠ તબિબોને બે મહિનાનો પગાર ન મળતાં દિવાળી-નવાવર્ષના તહેવાર ટાણે જ ખુશીને બદલે ચિંતાના વાદળો છવાઇ ગયા છે. સંબંધીતો ઝડપથી તબિબોનો આ પ્રશ્ન ઉકેલે તેવી માંગણી ઉઠી રહી છે.

(2:59 pm IST)