Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દિપાવલી માહોલઃ રાજકોટ એસ.ટી. મારફત ૪ થી પ હજાર પંચમહાલવાસી વતન જશેઃ રાજકોટ ડેપોની ૩ર એકસ્ટ્રા બસ

મોરબી-ગોંડલ-સુરેન્દ્રનગર-લીંબડીથી પણ એકસ્ટ્રા બસો જશે... : આજથી જ ટ્રાફીક વધવા માંડયોઃ કુલ ૧૦૦ થી વધુ બસો દોડાવવાનું આયોજન

રાજકોટ તા. ૩: રાજકોટ એસ.ટી. તંત્ર-ડિવીઝન કચેરી દિવાળી તહેવારનો મુસાફરોનો ધસારો ખાળવા અને રજાના માહોલમાં કમાણી કરવા સજજ બની ગયું છે, અને તે સંદર્ભે ધડાધડ એકસ્ટ્રા બસો અમદાવાદ અને ખાસ કરીને પંચમહાલ-ગોધરા અને ત્યાંના ગામડા વિસ્તારમાં દોડાવવા અંગે તૈયારીઓ કરી લીધી છે.

આ અંગે આજે એસ.ટી.ના અધીકારી સૂત્રોના ઉમેર્યા મુજબ, દિપાવલી તહેવાર સંદર્ભે રાજકોટ ઉપરાંત ગોંડલ-મોરબી-સુરેન્દ્રનગર-લીંબડી-ધ્રાંગધ્રા વિગેરે ડેપો-વિસ્તારોમાંથી ૪ થી પ હજાર જેટલા પંચમહાલવાસી દિવાળી ઉજવવા વતનમાં જશે, અને તે સંદર્ભે રાજકોટ એસ.ટી. તંત્ર વધુને વધુ એકસ્ટ્રા બસો દોડાવશે.

સાધનોએ ઉમેર્યું હતું કે, આજથી જ ટ્રાફીક વધવા માંડયો છે, હાલ તો વ્યવસ્થા બસની કરી લેવાઇ છે, પરંતુ આવતા અઠવાડિયાથી ટ્રાફીક વધશે અને તે જોતા રાજકોટ એસ.ટી. ડેપો ૩ર જેટલી એકસ્ટ્રા બસો પંચમહાલ તથા અન્ય શહેરો માટે દોડાવશે, આવી જ રીતે અન્ય ડેપો પણ એકસ્ટ્રા બસો મુકશે, કુલ ૧૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું રાજકોટ ડિવીઝન દ્વારા આયોજન કરાયું છે.

(3:00 pm IST)