Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

'એઇમ્સ' હોસ્પિટલને મોરબી બાયપાસ સાથે જોડવા માટે ફોર લાઇન રોડનો પ્રોજેકટ : ઉદિત અગ્રવાલ

જામનગર હાઇ-વેની સમાંતર ૩૦ મીટરનાં ડી.પી રોડને ચાર માર્ગીય કરવા રૂડા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ : ૧ વર્ષમાં કામગીરી પૂર્ણ કરવા તંત્ર કટીબધ્ધ

રાજકોટ,તા. ૩: શહેરમાં નિર્માણ થનાર 'એઇમ્સ' હોસ્પિટલને મોરબી બાયપાસ સાથે જોડવા રૂડા દ્વારા ફોર-લાઇન રોડ બનાવવા ટેન્ડરો પ્રસિધ્ધ થયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજય સરકાર દ્વારા રાજકોટ ખાતે AIIMS હોસ્પિટલની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીના અનુસંધાને રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા) દ્વારા AIIMS હોસ્પિટલને રીંગરોડ-૨ (ઘંટેશ્વર)થી જોડતા ૯૦.૦ મીટર પહોળાઇના ડી.પી રોડનો ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૧માં સમાવેશ કરેલ છે. ઘંટેશ્વરથી AIIMSને જોડતા રોડમાં જામનગર-રાજકોટ બ્રોડગેજ લાઇન પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાનો થતો હોઈ, જેની કામગીરી કરવામાં અંદાજે ૨-વર્ષ જેટલો સમય લાગી શકે તેમ હોઈ, હાલ 'રૂડા' દ્વારા જામનગર રોડને સમાંતર મોરબી બાયપાસથી AIIMS હોસ્પિટલને મોરબી રોડથી વધારાની કનેકિટવિટી આપવા માટે મોરબી બાયપાસથી જામનગર રોડને સમાંતર રાજકોટ મહાનગરપાલિકા તથા સતામંડળની હદમાથી પસાર થતા ૩૦.૦મી ડી.પી રસ્તામાં ૪-લેનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સતામંડળની હદમાં આવતા ૩૦.૦મી ડી.પી રસ્તાના અંદાજો બનાવી, વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરેલ છે. જે ફાઇનલ થયે અંદાજીત ૧ વર્ષની સમયમર્યાદામાં પુર્ણ કરવાનું આયોજન છે, તેમ 'રૂડા'ના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

જયારે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ રસ્તાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા હાથ ધરવામાં આવેલ છે. તથા ઘંટેશ્વર પાસે R.O.B સિવાયના 'રૂડા' લિમિટના રોડથી AIIMSસુધીના ૯૦.૦ મીટર ડી.પી રસ્તામાં ૬-લેન રોડના અંદાજો બનાવી, વહિવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે ફાઇનલ થયે અંદાજીત ૧ (એક) વર્ષની સમયમર્યાદામાં પુર્ણ કરવાનુ આયોજન છે. 

ઉપરોકત કામગીરી થયે AIIMS હોસ્પિટલના ચાલતા કામો તથા ભવિષ્યમાં AIIMS હોસ્પિટલને જોડતી વધારાની કનેકિટવિટી મળી રહેશે. તેમજ જામનગર રોડના વધુ પડતા ટ્રાફિકનુ ભારણ ઘટાડી શકાશે.

(3:43 pm IST)