Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અપહરણ-પોકસોના ગુનામાં નવ મહિને પકડાયેલો જુનાગઢનો ઇમરાન ઉર્ફ મુકેશ કોન્સ્ટેબલને ધક્કો મારી કોર્ટમાંથી છનનન

અનેક વખત ચોરીઓમાં પણ પકડાઇ ચુકયો છેઃ જોવા મળે તો પોલીસને જાણ કરવી : એ-ડિવીઝનમાં પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો ગુનો દાખલ થયો હોઇ ત્યાં સોપાયો હતોઃ આજે કોર્ટમાં રજૂ કરતી વખતે ફરીવાર ભાગી જતાં દોડધામ

રાજકોટ તા. ૩: બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ-પોકસોના ગુનામાં નવ મહિનાથી ફરાર મુળ જુનાગઢના તેમજ રાજકોટ નાના મવા ચોકડી પાસે આવાસ કવાર્ટર નં. ૧૫૫૪માં રહેતાં ઇમરાન ઉર્ફ મુકેશ યુસુફભાઇ કસાઇ (ઉ.વ.૨૩)ને ત્રણેક દિવસ પહેલા જ બી-ડિવીઝન પોલીસે નવાગામ આવાસ કવાર્ટર પાસેથી નંબર વગરની રિક્ષા સાથે પકડી લીધો હતો. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો ગુનો દાખલ થયો હોઇ જેથી બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી બાદ એ-ડિવીઝનને સોંપ્યો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરતી વખતે ફરીવાર તે પોલીસ કોન્સ્ટેબલને ધક્કો દઇ ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી.

બી-ડિવીઝન પોલીસમાં ગયા વર્ષે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. એ પછી તે સતત ફરાર હતો. નવ મહિના બાદ તેને બી-ડિવીઝનના હેડકોન્સ. કેતનભાઇ કલોલા અને કિશનભાઇ સભાડની બાતમી પરથી પકડી લેવાયો હતો. તેના વિરૂધ્ધ ચોરી, વાહન ચોરીના પાંચથી વધુ ગુના અગા. રાજકોટ, ઉના, જુનાગઢમાં નોંધાયા હતાં. આ ઉપરાંત રાજકોટના આજીડેમના વાહન ચોરીના અને જાપ્તામાંથી ભાગી જવાના ગુનામાં પણ તે ફરાર હતો.

પોલીસે વધુ તપાસ કરતાં રાજકોટ, ગોંડલ, જુનાગઢમાં વાહન ચોરી સહિતના ૧૬ ગુનામાં પણ ઇમરાન ઉર્ફ મુકેશની સંડોવણી ખુલી હતી. બી-ડિવીઝન પોલીસે તેને પકડ્યા પછી એ-ડિવીઝન પોલીસે પોતાના પોલીસ મથકના ગુના સબબ તેની અટકાયત કરી હતી. આજે કોર્ટમાં  રજૂ કરાયો ત્યારે પોલીસમેનને ધક્કો દઇ ભાગી ગયો હતો. તસ્વીરમાં દેખાતો ઇમરાન ઉર્ફ મુકેશ કોઇને જોવા મળે તો એ-ડિવીઝન પોલીસને ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર   સંપર્ક કરવા જણાવાયું છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે નરસંગપરા તરફ ભાગી ગયાનું જણાયું હોઇ એ તરફ ટીમોએ દોડધામ કરી હતી. પણ હાથમાં આવ્યો નહોતો. 

(3:15 pm IST)