Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ફટાકડા બજારમાં ખરીદીનો ધમધમાટઃ ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો

ભારે ડિમાન્ડવાળા ફટાકડાની અછત છે કે કરી દેવાઈ?: આજે સાંજે અને કાલે આખો દિવસ ખરીદીનો માહોલ જોવા મળશે

રાજકોટ, તા. ૩ : આનંદ અને ઉત્સાહનો પર્વ એટલે દિવાળી. આ પર્વમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે ત્યારે ફટાકડા બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળે છે.

  દરવર્ષની જેમ આ વર્ષે પણ બાળકોથી માંડી મોટેરાઓ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. દરમિયાન અહીંના આશાપુરા રોડ ઉપર આવેલ ઋતુરાજ સિઝન સ્ટોરવાળા હરેશભાઇ કટારીયા અને પિન્ટુભાઈ કટારીયા જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડા બજારમાં અવનવી વેરાયટીઓ આવી છે. જેમ કે જમીન ચકરડી, બતરફલાય, ફોટોફ્લેશ, એર ટ્રાફિક રેલવે સિગ્નલ, જમ્પિંગ ફોગ, રોકેટબોમ્બ, થ્રિ રાઉન્ડ, માટીના શંભુ, ફેન્સી રંગબેરંગી શંભુ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ હોવાનું જણાવેલ.

 દરમિયાન ફટાકડાના રસિયાઓ જે ફટાકડાની વધુ ડિમાન્ડ કરી રહ્યા છે એ ફટાકડાનો વેપારીઓ પાસે સ્ટોક ખલાસ થઈ ગયો છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે કેટલાક વેપારીઓ દ્વારા આ ફટાકડાઓનો સ્ટોક અગાઉથી જ કરી લેવામાં આવે છે અને ઉંચી કિંમતે તેનું વેચાણ કરી નફો મેળવતા હોય છે.

  વેપારીઓનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના પગલે ફટાકડાનું વેચાણ ખૂબ જ ઓછું હતું. પરંતુ આ વર્ષે બજારમાં સારી એવી ઘરાકી જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા દિવસોમાં ફટાકડાની ખરીદી વધુ કરતા હોય છે. આજે અને આવતીકાલે મોડી સાંજ સુધી બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળશે. (તસ્વીરઃ અશોક બગથરિયા)

(3:35 pm IST)