Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જય સદ્‌ગુરૂ સ્‍વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્‍વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી..

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળ દ્વારા અભૂતપૂર્વ અમૃત મહોત્‍સવ

મવડી-કણકોટ રોડ પર ૪૫૦ વીઘા જમીન પર સહજાનંદનગર નિર્માણ : ડીસેમ્‍બરમાં ૧૧ મીથી પ્રદર્શન, ૧૩મીએ ૭૫ યજ્ઞોપવિત, ૧૪મીએ સમુહલગ્ન : મુખ્‍ય મહોત્‍સવ તા.૨૨ થી ૨૬ ડીસેમ્‍બર દરરોજ હજારો ભક્‍તો માટે મહાપ્રસાદ : મહોત્‍સવ અંતર્ગત યજ્ઞ, અભિષેક, સંતોની વાણી, સત્‍સંગ, તબીબી કેમ્‍પ યોજાશે

સંત સંગ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્‍થાનના શ્રી પ્રભુ સ્‍વામી (સુરત) તથા પાટડી (સુરેન્‍દ્રનગર)ના અવિનાશદાસજી સ્‍વામીએ ગઇ કાલે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પ્રસાદીની પુષ્‍પમાળા પહેરાવી આર્શીવાદ આપ્‍યા હતા. શ્રી કિરીટભાઇએ સંતોનું ભાવભીનું સ્‍વાગત કર્યું હતું.  આ પ્રસંગે ગુરૂકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી હસમુખભાઇ સાવલિયા ઉપસ્‍થિત હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

જય સ્‍વામિનારાયણ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાનના સુરત વેડ રોડ ગુરૂકુળ સ્‍થિત શ્રી પ્રભુ સ્‍વામી તથા વર્ણીન્‍દ્રધામ પાટડીના શ્રી અવિનાશદાસજી સ્‍વામીએ અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુરૂકુળના અમૃત મહોત્‍સવ અંગે વિસ્‍તૃત ચર્ચા કરેલ. આ પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી પણ ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ,તા. ૩ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાનની સ્‍થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતા તા. ૨૨ થી ૨૫ ડીસેમ્‍બર ૨૦૨૨ સુધી સહજાનંદ નગર, મવડી-કણકોટ રોડ, રાજકોટ ખાતે દિવ્‍ય-ભવ્‍ય અમૃત મહોત્‍સવ યોજાનાર છે. મહોત્‍સવ સ્‍થળ મવડી ચોકડીથી આશેર ૩ કિ.મી. દૂર થાય છે. કાલાવડ રોડ તેમજ ગોંડલ રોડ તરફથી પણ જઇ શકાય છે. અમૃત મહોત્‍સવના પ્રારંભ પૂર્વે તા. ૧૧ ડીસેમ્‍બરથી સ્‍થળ પર દર્શનીય પ્રદર્શનનો પ્રારંભ થશે. આ જ સ્‍થળે તા. ૧૪ ડીસેમ્‍બરે સર્વજ્ઞાતીય સમુહલગ્ન અને ૧૩ ડીસેમ્‍બર ૭૫ બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવવાનો માંગલિક કાર્યક્રમ યોજવામાં આવશે. રાજકોટ ગુરૂકુળ દ્વારા પ્રથમ વખત વિશાળ ફલક પર યોજાનાર ઐતિહાસિક અમૃત મહોત્‍સવ માટે સંતોના માર્ગદર્શન હેઠળ હરિભકતો દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. ગુરૂકુળ સંકુલ અને મહોત્‍સવ સ્‍થળે જય સ્‍વામિનારાયણનો નાદ ગુંજી રહ્યો છે. વધુ માહિતી માટે રાજકોટ ગુરૂકુળ, ઢેબર રોડ મો. નં. ૭૨૧૭૨ ૨૪૧૨૪ ઉપર સંપર્ક સાધી શકાય છે.
આજથી ૧૯૬ વર્ષ પહેલા સર્વાવતારી ભગવાન શ્રી સ્‍વામિનારાયણે એ દિવ્‍ય સંદેશ આપ્‍યો. એ દિવ્‍ય સંદેશે મૂર્તિમંત સ્‍વરૂપ ધારણ કર્યું આજથી ૭૫ વર્ષ પહેલા, સને ૧૯૪૮માં, ભારત વર્ષની આઝાદીના ઉદયકાળે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્‍થાનની સ્‍થાપના થઇ... અને આ સાથે લુપ્‍તપ્રાયઃ બનેલી ભારતની આ ભવ્‍ય ધરોહર ‘ગુરૂકુળ ગંગોત્રી'નું સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ અવતરણ થયું.. જેના ૨૦મી સદીના એક મહાન યુગપુરૂષ, સદ્ધિદ્યા સદ્ધર્મરક્ષક શાષાીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી નિમિત બન્‍યા હતા.
આ ગુરૂકુળ ગંગોત્રીને ધારણ કરી રાજકોટની ભાગ્‍યવંતી ભૂમિએ, અને એ જ ગુરૂદેવની કર્મભૂમિ બની રહી. પતિતપાવની આ ગુરૂકુળ ગંગોત્રી વિશાળ સ્‍વરૂપ ધારણ કરીને આજે ‘ભાગીરથી' રૂપે વહી રહી છે. જેના વિદ્યા, સાદ્ધિદ્યા અને બ્રહ્મવિદ્યારૂપી ત્રિવેણીએ ગુજરાત, ભારત અને વિશ્વની સમસ્‍ત માનવજાતને પાવન કરી છે. પરિણામ સ્‍વરૂપ.. સત્‍સંગ, સમાજ અને રાષ્‍ટ્રને સમર્પિત, નિષ્‍કામ કર્મયોગી અને ગંગાની ધારા જેવા પવિત્ર-ચારિત્રશીલ સેકંડો સંતો, હજારો હરિભકતો અને લાખો વિદ્યાર્થીઓની વિશ્વને અદ્વિતીય ભેટ મળી.
આ પુનિત ગુરૂકુળ ગંગોત્રી આ વર્ષે ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃતકાળમાં પ્રવેશી રહી છે. ત્‍યારે અબાલ વૃધ્‍ધ સૌ કોઇ ‘અમૃતત્‍વ' ને પ્રાપ્‍ત કરે તેવા ઉમદા ધ્‍યેયથી રાજકોટ ગુરૂકુલ દ્વારા આગામી ૨૨ થી ૨૬ ડિસે. ૨૦૨૨ સુધી ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ, ગુરૂવર્ય મહંત સ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા સદ્‌ગુરૂ મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીની પ્રેરણાથી ગુરૂકુલ ગંગોત્રીનો ભવ્‍યાતિભવ્‍ય અને દિવ્‍યાતિદિવ્‍ય ‘અમૃત મહોત્‍સવ' ઉજવાશે.
આધ્‍યાત્‍મિક, સામાજિક અને શૈક્ષણિક અનેકવિધ સાંસ્‍કૃતિક તથા સેવાકીય મૂલ્‍યોથી સભર આ અમૃત મહોત્‍સવમાં પરિવારજનો તથા સ્‍નેહીમિત્રો સાથે પધારવા સૌને હાર્દિક નિમંત્રણ છે. મહોત્‍સવનું રાજકોટ ગુરૂકુળ યુ ટયુબ અને લક્ષ્ય તથા સદ્‌વિદ્યા ચેનલ પર જીવંત પ્રસારણ થશે.
ગુરૂકુળના અમૃત મહોત્‍સવ નિમિતે અલગ -અલગ દિવસે વિદ્વતા મંચ, બાલમંચ, વાલીમંચ, સર્વરોગ નિદાન કેમ્‍પ, ગુરૂકુળ મૈયા પુજન, ભવ્‍ય શોભાયાત્રા, ૧૦૦૮ કુંડી જલાભિષેક યાગ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, ખેડૂત મંચ, વડીલ મંચ, ધર્મજીવન એવોર્ડ સમારંભ વગેરે કાર્યક્રમો યોજાનાર છે. મહાઅભિષેક, સત્‍સંગી જીવન કથા, અન્‍નકૂટ, હાટડી દર્શન, અખંડ ધૂન, વ્‍યાખ્‍યાન માળા, ૭૫ કુંડી શ્રીધરયાગ, રકતદાન કેમ્‍પ વગેરેનું પણ આયોજન થનાર છે. સમગ્ર મહોત્‍સવ ૪૫૦ વીઘા જગ્‍યામાં યોજાનાર છે. ૧૫ થી વધુ ખેડૂતોએ મહોત્‍સવ માટે સેવાભાવથી પોતાના ખેતરો ઉપયોગ માટે આપ્‍યા છે. સભા મંડપ ઉપરાંત ભોજનશાળા, પાર્કીંગ, પ્રદર્શન વગેરે નજીક-નજીકની જગ્‍યામાં રાખેલ છે. પ્રદર્શન તા. ૧૧ ડીસેમ્‍બરથી દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્‍યા સુધી ખુલ્લુ રહેશે. ભાવિકો પ્રદર્શન સહિત તમામ કાર્યક્રમોનો લાભ લઇ શકશે. મહોત્‍સવનો સમય તા. ૨૨ થી ૨૬ ડીસેમ્‍બર સવારે ૯ થી ૧૨ :૩૦, બપોરે ૩ થી ૬:૩૦ અને રાત્રે ૮ થી ૧૦ : ૩૦ રહેશે. સમગ્ર અમૃત મહોત્‍સવ અવિસ્‍મરણીય બની રહેશે.

શિક્ષણ ક્ષેત્રે ગતિ સાથે પ્રગતિ : ૧.૧૨ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ
ગુરૂકુળનું આંખો ઠારતુ આંકડાકીય ચિત્ર
* કુલ ૧.૧૨ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ
* અત્‍યાર સુધીમાં ૧,૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને સંસ્‍કાર સાથે શિક્ષણ (જેમાં પ્રાપ્‍ત માહિતી અનુસાર... ૧૨+ ISRO/BARCમાં વૈજ્ઞાનિક ૧૩+ પાયલોટ, ૨૩+ IIM/IIT, ૬૮+ CA, ૮૨+ સૈનિક, ૪૮૮+ ડોકટર, ૧૭૫૮+ NRI, ૫૨૫૭+ એન્‍જિનિયર, ૬૨૫૨+ ઉદ્યોગપતિઓ જેવા અનેક નામાંકિત વ્‍યકિતઓ રાષ્‍ટ્ર સેવામાં સામેલ છે.)
* હાલ ૩૦,૨૪૮ વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ
* રૂપિયા ૩૬૫ વાર્ષિક લવાજમમાં ૮૦૦ વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ
* જરૂરિયાતમંદ માટે ફ્રી કોલેજ છાત્રાલયની સુવિધા
* દર વર્ષે આશરે ૨ કરોડ ૮૪ લાખ રૂપિયાની વિદ્યા સહાય : ધર્મજીવન સ્‍કોલરશીપ
* આપદગ્રસ્‍ત પ્રદેશમાં ૫૮ શાળાઓના નિર્માણ

 

(11:41 am IST)