Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

હંસરાજનગરમાં મહિલાના મકાનમાં થયેલી ૨.૭૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : બબ્‍બર વસીમ સહિત ૬ ઝડપાયા

પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ અને મહાવિરસિંહની બાતમી : રીઢો તસ્‍કર બબ્‍બર:વસીમ લંધા તેનો ભાઇ બબ્‍બર મઝદુર લંધા, મિત્ર ફારૂક, રફીક શેખ તેની પત્‍ની ગુલશન અને બહેન રૂકશાનાની ધરપકડ

રાજકોટ તા. ૩ : હંસરાજનગરમાં રહેતી મહિલાના બંધ મકાનમાં થયેલી રૂા. ૨.૭૫ લાખની ચોરીનો પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલી રીઢો તસ્‍કર સહિત ૬ શખ્‍સોને રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના હંસરાજનગર શેરી નં. ૨માં મહિલાના મકાનમાં થયેલી ચોરી કરનારા શખ્‍સો રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે હોવાથી પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ અને મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસેથી ભીસ્‍તીવાડ સુલભની સામે ફિરોઝભાઇના મકાનમાં ભાડે રહેતો બબ્‍બર વસીમ ગફારભાઇ લંધા (ઉ.૩૨) તેનો ભાઇ બબ્‍બર મઝહર ગફારભાઇ લંધા (ઉ.વ.૩૧) તથા તેનો મિત્ર ફારૂક રફીકભાઇ શેખ (ઉ.વ.૨૧), અને મોરબી કાલીકા પ્‍લોટ શેરી નં. ૫માં રહેતા રફીક ઉમરભાઇ શેખ (ઉ.વ.૪૨) તેની પત્‍ની ગુલશન રફીકશેખ (ઉ.૪૦) અને બહેન રૂકશાના શાહરૂખભાઇ કાશમાણી (ઉ.વ.૨૦)ને પકડી લઇ જીજે૩બીટી-૪૭૯૨ નંબરની રીક્ષા તેમજ ચોરાઉ રૂા. ૩.૨૩ લાખના સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૩.૭૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં બબ્‍બરવસીમ લંધા અને તેનો ભાઇ બબ્‍બર મઝહર લંધા બંનેએ ગત તા. ૨૮-૧૦ની રાત્રે હંસરાજનગર શેરી નં. ૨ મેઇન રોડ પર રહેતા અનુષ્‍ઠાબેન ઉર્ફે રામેશ્વરી અજયભાઇ વાસુદેવભાઇ મોટવાણીના બંધ મકાનમાં રૂા. ૨,૭૫,૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. બંનેએ ચોરી કર્યા બાદ ચોરાઉ દાગીના તેના મિત્ર ફારૂક તેમજ મોરબીના રફીક શેખને વેચવા માટે આપ્‍યા હતા. બબ્‍બરવસીમ શેખ અગાઉ ભાવનગર, શિહોર અને જામનગરમાં ચોરીના પાંચ ગુનામાં પકડાઇ ચૂક્‍યો છે. આ અંગે પ્ર.નગર પોલીસે છએ શખ્‍સોના રીમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. આર.ટી.વ્‍યાસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.કે.ગોહિલ, એ.એસ.આઇ. સંજયભાઇ દવે, હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કલ્‍પેશભાઇ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, જયેન્‍દ્રસિંહ પરમાર, અશોકભાઇ હુંબલ અને અનોપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:37 pm IST)