Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મનપામાં વધુ એક વખત પેટા ચૂંટણીના ભણકારાં

અત્‍યાર સુધીમાં ૧૩ નગરસેવકોના અવસાન થયાઃ ૮ કોર્પોરેટરોના રાજીનામા : અગાઉ એક કોર્પોરેટરો ગેરલાયક ઠર્યા હતાઃ કુલ ૧૯ પેટા ચુંટણી થઇ

રાજકોટ તા.૩ : શહેરના વોર્ડ નં.૧પમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આથી બન્ને ‘આપ'ના કોર્પોરેટર તરીકે કામગીરી કરી રહ્યા હતા જો કે, મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ આ અંગે અરજી કરતા આજે બન્નેને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવતા વધુ એક વખત જનરલ બોર્ડ ખંડિત થયું મનપામાં પેટા ચૂંટણીના ભણકારા વાગ્‍યાની તૈયારીમાં છે.

નામો નિર્દેષ અધિકારીએ ગેરલાયક ઠેરવતા બને કોર્પોરેટરો તેની સામે હાઇકોર્ટમાં અપીલમાં જાય છે કે કેમ અને જો અપિલમાં જાય અને હાલના હુકમ સામે સ્‍ટે મેળવીશકે તો અલગ પરિસ્‍થિતી સર્જાય છે.

મહાનગરપાલિકાના કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન બરાઇ ૭ મહિના પહેલા કોંગ્રેસમાંથી પક્ષ પલ્‍ટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા રાજકોટ મનપામાં કોર્પોરેટરોની કુલ ૭રબેઠક છે. જેમાં ૬૮ બેઠક પર ભાજપ છે બાકીની ૪ બેઠક પર કોંગ્રેસ હતું જયારે આમ આદમી પાર્ટીની એક પણ વોર્ડમાં જીત થઇ નહોતી પરંતુ કોંગ્રેસની કુલ ૪ બેઠકમાંથી કોર્પોરેટરોએ પક્ષપલ્‍ટો કરતા કોંગ્રેસ તરફથી વિપક્ષના પદ પર બેસી આ બે કોર્પોરેટરે આપનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું.

આ હુકમ સામે કોર્પોરેટરો અપીલમાં જાય તેવી શકયતાઓ છે.

કોર્પોરેશનના ઇતિહાસમાં ચાલુ ટર્મ ૧૩ કોર્પોરેટર અવસાન થયા

અત્રેએ નોધનીય છે કે મ્‍યુ કોર્પોરેશન અસ્‍ત્‍વિમાં આવ્‍યું ત્‍યારથી આજ સુધીમાં ચાલુ ટર્મે ૧૩ જેટલા કોર્પોરેટરોમાં અવસાન થયા છે.

મ્‍યુ.કોર્પોરેશનની સત્તાવાર નોંધ મુજબ ૧૯૭૭ માં ભાજપના સ્‍વ. કાનજીભાઇ પરમાર, ૧૯૮૩માં ભાજપના અગ્રિમ હરોળના નેતા સ્‍વ. અરવિંદભાઇ મણિયાર, ૧૯૮૮માં કોંગ્રેસના મનસુખભાઇ ઉંધાડ, ૧૯૯૩માં કોંગ્રેસના સ્‍વ. ફકીરભાઇ જરીયા, ૧૯૯પમાં ભાજપના સ્‍વ. હરીભાઇ ધવા, ૧૯૯૭માં ભાજપના સ્‍વ. કિશોરભાઇ રાઠોડ (કે.ડી.) ૧૯૯૮માં ભાજપના સ્‍વ. નિર્મળબેન પનારા ર૦૦૩માં કોંગ્રેસના સ્‍વ. અશોક કાકડિયા, ર૦૦૪માં ભાજપના લડાયક મહિલા અગ્રણી સ્‍વ. પુષ્‍પાબેન પંડયા, ર૦૧૦માં ભાજપના સ્‍વ. અમિત ભોરણિયા, ર૦૧પમાં ભાજપના સ્‍વ. કૈલાશબેન રામાણી ર૦૧૭માં કોંગ્રેસના કોર્પોરેટર સ.પ્રભાતભાઇ ડાંગર અને ર૦ર૦માં કોંગ્રેસના હારૂનભાઇ ડાકોરા સહીતના કોર્પોરેટ ચાલુ  ટર્મમાં અવસાન થયા છે.

આમ અત્‍યાર સુધીમાં ઉપરોકત ૧૩ કોર્પોરેટરો ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામ્‍યા છે.

૮ કોર્પોરેટરોએ ચાલુ ટર્મમાં રાજીનામાં આપ્‍યા

મ્‍યુ.કોર્પોરેશનના ઇતિહાસમાં આજ સુધીમાં ચાલુ ટર્મ દરમ્‍યાન ૮ કોર્પોરેટરોએ રાજીનામા આપ્‍યાનું નોંધાયુ છે.

જેમાં ૧૯૮૧માં ભાજપના મગનભાઇ સોનપાલ, મોહનભાઇ ભંડેરી તથા ડાયાભાઇ સોલંકી એમ ત્રણ કોર્પોરેટરોએ એકી સાથે કોર્પોરેટર પદ છોડયું હતું. જયારે ૧૯૯રમાં ભાજપના સ્‍વ. પુષ્‍પાબેન પંડયાએ રાજીનામુ આપતા બેઠક ખાલી થઇ હતી ર૦૧૩માં ભાજપના સંજય ધવા, ર૦૧પમાં નરેન્‍દ્રભાઇ સોલંકી ત્‍થા ર૦૧પમાં જ ભાજપના રાજેન્‍દ્રસિંહ ઝાલા અને ર૦૧૮માં કોંગ્રેસના નિતીનભાઇ રામાણીએ રાજીનામુ દઇ, ભાજપમાંથી ચૂંટણી લડી ફરી ચુંટાઇ આવ્‍યા છે.

એક ટર્મમાં કોર્પોરેટર ગેરલાયક ઠેરવાયા હોય તેવો એક માત્ર કિસ્‍સો નોંધાયો હતો. વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્‍ઠાબા મયુરસિંહ જાડેજા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહ્યા કોઇ નિયમ મુજબ તેઓને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્‍યા હતા.

(3:33 pm IST)