Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ધાર્મિક સ્‍થળોને રાજકીય અખાડો બનાવવાનું બંધ કરવું જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૩: જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડમાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવેલ કમલમ કાર્યાલયના મકાનનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમ વખતે ખોડલધામના ટ્રસ્‍ટીઓ પી. એમ.ને ખોડલધામ આવવા આમંત્રણ આપવા ગયાની બાબતે સી. આર. પાટીલે એવું કહ્યાનું જાણવા મળે છે કે ‘‘અમે આ મુલાકાતને ફાયદાની રીતે જોતાં નથી. સમાજના વડા પ્રધાન મંત્રીને મળે એ સારી વાત છે''

પ્રધાનમંત્રી, અન્‍યમંત્રીઓ તથા દરેક પક્ષના નેતાઓ ચૂંટણી સમયે વધારે વખત ધાર્મિક સ્‍થળોની મુલાકાત લઇ ભગવાન તથા દેવીદેવતાના આશીર્વાદ મેળવવા પ્રયાસ કરતાં હોય છે. તેમાં આમંત્રણની જરૂર હોતી નથી. કોઇપણ ધાર્મિક સ્‍થળોએ દર્શન કરવા માટે કયારેય આમંત્રણ આપવામાં આવ્‍યું હોય તેવું જાણવા મળ્‍યું નથી. કોઇપણ કાર્યક્રમ હોય તો તે જુદી વાત છે.

ખોડલ ધામના ટ્રસ્‍ટીઓએ ચૂંટણી સમયે જ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવાનું કારણ લેઉઆ પટેલ સમાજના લોકોને જણાવવું જોઇએ. ખોડલધામ લેઉઆ પટેલ કે અન્‍ય સમાજના લોકોનું આસ્‍થાનું પ્રતીક છે. ટ્રસ્‍ટીઓની કે કોઇની અંગત જાગીર નથી. મનસ્‍વી રીતે રાજકીય નેતાઓની રકતતુલા કે રજતતુલા શા માટે કરવી પડે છે એ સમજાતું નથી. કોઇપણ ટ્રસ્‍ટીઓની અંગત સહાનુભૂતી ભાજપ કોંગ્રેસ કે અન્‍ય પક્ષનો તરફ હોય એ સ્‍વાભાવિક છે. પરંતુ અંગત સ્‍વાર્થ કે અન્‍ય કારણોસર ધાર્મિક સ્‍થળને રાજકીય અખાડો બનાવવાનું બંધ રાખવું જોઇએ.

સંસ્‍થાના કામ માટે સરકારની જરૂર પડતી હોય જેથી લાચારી કરવી પડતી હોય તો તે વાત ખુલ્લા દિલથી હિંમત રાખીને સમાજ સમક્ષ મૂકવી જોઇએ. ફકત ટ્રસ્‍ટીઓની ‘‘કુલડીમાં ગોળ ભાંગવાની નીતી'' વ્‍યાજબી નથી. ટ્રસ્‍ટી દિનેશ કુંભાણી અને રમેશ ટીલાળાએ કહ્યું કે આ એક શુભેચ્‍છા મુલાકાત હતી તો સમાજે શું સમજવું. છાસ લેવા જવું અને દોણી સંઘરવી એ વાત વ્‍યાજબી નથી. જે હકીકત હોય તે સરદારના સંતાનો તરીકે કહેવાની હિંમત રાખવી જોઇએ. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(3:41 pm IST)