Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

બધાને ફરવા લઇને ગયાને કાળ ભેટી ગયો, પણ પોતે બચી ગયા શાહમદાર પરિવારના બચી ગયેલા મહિલાએ ૭ સભ્‍યો ગુમાવ્‍યા

રાજકોટ તા.૩: મોરબીના ઝુલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્‍તારમાં રહેતા શાહમદાર પરિવારના ૭ સભ્‍યોનાં મોત થયા છે. પરિવારના ૮ સભ્‍ય એકસાથે ઝુલતા પુલ પર ફરવા ગયા હતા અને તેમાંથી એક મહિલા સિવાય તમામ ૭ સભ્‍યોનાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટયા જેવી સ્‍થિતિ સર્જાઇ છે. જયારે એકસાથે ૭ મૃતદેહ ઘરમાં આવતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદનના દૃશ્‍યો જોવા મળ્‍યા હતા

બચી ગયેલી મહિલાએ હૈયાફાટ રૂદન કરતા કહયુ હતું કે, હું બધાને ફરવા લઇ ગઇ હતી અને હું એક જ બચી શકી, મારી દીકરી પણ મને છોડીને જતી રહી. શાહમદાર પરિવાર એક સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવાર છે અને તેમની દિકરી જામનગરની આવી હતી. તેઓ ઘરના ૮ લોકો સાથે ઝુલતા પુલ પર ફરવા જવા નકકી કયુ હતું. પુલ તુટતા શાહમદાર પરિવારના પાંચ બાળકો સહિત ૭ લોકો મોતને ભેટયા, જયારે એક મહિલાને હાથના ભાગે ફેકચર આવ્‍યુ જેઓ એક કલાક સુધી પુલ પર દોરડુ પકડી ટીંગાઇ રહયા હતા અને બાદમાં રેસ્‍કયુ ટીમે આવી તેમનું રેસ્‍કયુ કર્યુ હતું.

હૈયાફાટ રૂદન કરતા મહિલાએ વધુમાં કહયુ હતું કે મારી દીકરી અને મારા બધા મને મૂકીને જતા રહયા છે. હુ બધાને ફરવા લઇ ગઇ હતી અને હું એક જ બચી. મારી દીકરીના બે વર્ષ પછી લગ્ન કરવાની અમે વાતો કરતા હતા. મારી દીકરી, મારા ઘરના મને મુકીને જતા રહયા.

પરિવારના સભ્‍ય મજલુમભાઇએ જણાવ્‍યુ હતુ કે, મારા પરિવારના ૭ અને બીજા એક સગાનું અવસાન થયુ છે. અમને હોસ્‍પિટલમાંથી ફોન આવ્‍યો તો અમે દુકાન બંધ કરીને સીધા હોસ્‍પિટલે પહોંચ્‍યા હતા. સવારના ૬ વાગ્‍યા સુધી અમે ડેડબોડી જ શોધવામાં રહયા હતા. પરિવારમાં મારા કાકાના દીકરા, તેની એક દીકરી, ભાઇ, તેના પત્‍ની, તેના દીકરો દીકરીનાં મોત થયા છે, સાથે જામનગરથી બહેન આવ્‍યા હતા તેઓ પણ મૃત્‍યુ પામ્‍યા છે. રજા હતી એટલે ફરવા ગયા હતા. સામા કાંઠેથી રિટર્નમાં બધા આવી રહયા હતા અને પુલ તૂટયો હતો. જયારે એક બહેનનો બચાવ થયો છે. તેમણે દોરડું પકડી લીધુ હતું અને એક કલાક તેઓ લટકી રહયા હતા.

(3:48 pm IST)