Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ખોખડદળમાં રજીસ્‍ટ્રેશન વગર દવાખાનુ ચલાવતાં રાહુલ જોષી સામે ફોજદારી

આજીડેમ પોલીસે મેડિકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યોઃ પોલીસે ડિગ્રી માંગતા હિન્‍દી સાહિત્‍ય સંમેલન ઇલાહાબાદ વૈદ્ય વિશારદ પરિક્ષા ૧૯૯૮ની ઝેરોક્ષ રજૂ કરી

રાજકોટ તા. ૩: ખોખડદળ ગામમાં પંચાયત ઓફિસની સામે ડો. જોષીભાઇના નામે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા વગર દવાખાનુ ચલાવતાં શખ્‍સ વિરૂધ્‍ધ આજીડેમ પોલીસે મેડિકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ કાર્યવાહી કરી છે.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જે. કે. ગઢવીએ આ બારામાં રાહુલ હસમુખભાઇ જોષી (ઉ.૪૨-રહે. જગન્‍નાથ પલોટ-૧, મુક્‍તાનંદ મકાન, ૧૫૦ રીંગ રોડ, ગિરીરાજ હોસ્‍પિટલ પાસે) વિરૂધ્‍ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી રૂા. ૮૫૪૦ના મેડિકલ સાધનો, દવાઓ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ ગઢવી, એએઅસાઇ વાય. ડી. ભગત, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદિપસિ઼હ ગોહિલ, જગદિશસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ કુંચાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે માહિતી મળી હતી કે ખોખડદળ ગામમાં ડો. જોષીભાઇ નામનું ક્‍લીનીક ચાલે છે તેમાં ડિગ્રી વગર લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરવામાં આવે છે. તેના આધારે તપાસ થતાં એક શખ્‍સ ગળામાં સ્‍ટેથોસ્‍કોપ સાથે જોવા મળતાં પુછતાછ કરતાં પોતાનું નામ રાહુલ જોષી જણાવ્‍યું હતું. ડિગ્રી બતાવવાનું કહેવાતાં તેણે હિન્‍દી સાહિત્‍ય સંમેલન ઇલાહાબાદ વૈદ્ય વિશારદ પરિક્ષા ૧૯૯૮ની ઝેરોક્ષ રજૂ કરી હતી. આ શખ્‍સ પાસે ગુજરાત મેડિકલ કાઉનસીલ વૈધિક વ્‍યવસાયી તરીકેનું રજીસ્‍ટ્રેશન કરાવેલુ કોઇ સર્ટિફિકેટ ન હોઇ તેમ છતાં દર્દીઓને એલોપેથીક દવાઓ પ્રિસ્‍ક્રીપ્‍શન લખી આપતો હોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:42 pm IST)