Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજકોટ રેલવે ડિવિઝનના RPF સ્‍ટાફે ઓખા-જયપુર એક્‍સપ્રેસમાં નકલી TTE બનીને મુસાફરોને છેતરતા વ્‍યક્‍તિ ને ઝડપી લીધો

રાજકોટ : રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે પ્રોટેક્‍શન ફોર્સ (RPF) સ્‍ટાફે ઓખા-જયપુર એક્‍સપ્રેસ ટ્રેનમાં નકલી TTE બનીને મુસાફરો સાથે છેતરપિંડી કરનાર વ્‍યક્‍તિને પકડી પાડ્‍યો છે.

વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્‍યું હતું કે ૦૩.૦૫.૨૦૨૨ ના રોજ રાત્રે લગભગ ૦૧:૫૪ વાગે, RPF સ્‍ટાફને માહિતી મળી હતી કે ટ્રેન નં ૧૯૫૭૩ ઓખા-જયપુર એક્‍સપ્રેસ ના D/૧ કોચ નં. WR ૦૧૪૨૯૦ માં નકલી ટીટીઇ બનીને ટિકિટ તપાસનાર વ્‍યક્‍તિ જોવા મળ્‍યો છે. માહિતી મળતાં જ, આરપીએફ-સુરેન્‍દ્રનગરના આસિસ્‍ટન્‍ટ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી મનોહરસિંહ ચંદ્રાવતે ઓખા-જયપુર એક્‍સપ્રેસ ટ્રેન જ્‍યારે સુરેન્‍દ્રનગર સ્‍ટેશન  પર આવી ત્‍યારે તેના ડી-૧ કોચમાં મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્‍યું હતું કે એક બહારની વ્‍યક્‍તિ એ મુસાફરોની ટિકિટ ચેક કરી હતી. આજ ટ્રેન માં સ્‍પેયર માં આવી રહેલા રેલવે ના મેલ એક્‍સપ્રેસ ના ગાર્ડે શ્રી પરશુરામ કે (હેડ ક્‍વાર્ટર રાજકોટ) દ્વારા આરપીએફ સ્‍ટાફને આ બહારની વ્‍યક્‍તિ દ્વારા નકલી ટીટીઇ બનીને ને ટિકિટ ચેક કરવાની માહિતી આપવામાં આવી હતી. રાજસ્‍થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી આ બહારના વ્‍યક્‍તિ આકાશ એચ રાજપુરોહિત (ઉમર ૨૦)ને આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સ્‍પેક્‍ટર મનોહરસિંહ ચંદ્રાવતે અટકાવ્‍યો હતો અને સુરેન્‍દ્રનગર ચોકી પર લાવીને પૂછપરછ કરી નિવેદન નોંધ્‍યું હતું. પૂછપરછ દરમિયાન, આ બહારના વ્‍યક્‍તિએ આર્થિક લાભ માટે ટ્રેનમાં ટિકિટ ચેક કરવાનો ગુનો કબૂલ્‍યો હતો. જરૂરી કાર્યવાહી કર્યા બાદ નકલી ટીટીઈ તરીકે છેતરપિંડી કરનાર આ વ્‍યક્‍તિને જીઆરપી સુરેન્‍દ્રનગરને હવાલે કરાયો હતો.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિકયુરિટી કમિશનર શ્રી પવનકુમાર શ્રીવાસ્‍તવ દ્વારા સંબંધિત રેલવે કર્મચારીઓ દ્વારા દાખવવામાં આવેલી તકેદારી અને તત્‍પરતાની પ્રશંસા કરવામાં આવી છે.

(1:21 pm IST)