Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

બાઇક સ્‍લીપ થઇ જવાને લીધે રાજકોટ એઇમ્‍સના સિક્‍યુરીટી કર્મચારી જગજીતસિંહ જાડેજાનું મોત

મુળ વતન ભાણવડના વાનાવડમાં ૧૦મીએ આટો મારવા ગયા ત્‍યારે મંદિરે દર્શન કરી પરત જતાં અકસ્‍માત નડયો'તોઃ આધારસ્‍તંભનો મોતથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: ભાણવડના વાનાવડ ગામે સીમમાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ એઇમ્‍સના સિક્‍યુરીટી કર્મચારી મુળ વાનાવડના વતની જગજીતસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.૨૯)નું  મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જગજીતસિંહ જાડેજા રાજકોટ રહી એઇમ્‍સની સિક્‍યુરીટીમાં ફરજ બજાવતાં હતાં. ગયા મહિને તેઓ પોતાના વતન વાનાવડ આટો મારવા ગયા હતાં. ૧૦/૪ના રોજ ગામની સીમમાં આવેલા મંદિરે દર્શન કરી બાઇક હંકારી ઘર તરફ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ઝાકળને કારણે બાઇક રોડ પરથી નીચે ઉતરી જઇ સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિ આજે સવારે દમ તોડી દેતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

જગજીતસિંહ અપરિણિત હતાં. તેમના પિતા હયાત નથી. પરિવારજનોનો તે એક માત્ર આધારસ્‍તંભ હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાગળો કરી ભાણવડ પોલીસને મોકલ્‍યા હતાં.

(1:22 pm IST)