Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મોટામવાની જમીનના લેન્‍ડગ્રેબીંગના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૪ : રાજકોટની મોટા મોવાની જમીનના ચકચારી લેન્‍ડ ગ્રેબિંગના ગુનામાં રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર કરવાનો હૂકમ કર્યો હતો.
આ કેસની પોલીસ કેસ પ્રમાણેની ટૂંકી વિગત એવી છે કે, આ કેસના આરોપીઓ મહેશ ચનાભાઈ ડોબરીયા, મિલનભાઈ ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવભા સુમાણીયા, હરસુખ મગનલાલ ચૌહાણ, હરકિશનભાઇ નાનાલાલ દેવડા અને ભુપેન્‍દ્રભાઈ ગણેશભાઈ નાથાણી આ તમામ આરોપીઓ વિરૂધ્‍ધ રાજકોટની મોટા મોવા ગામના સર્વે નં.૬૫ બીનખેતી જમીનના પ્‍લોટ નં.૪૫ ના માલિક ભુરાભાઈ ભાણજીભાઈ પટેલની ચો.મી.આ.૨૪૦-૮૦ ચો.વા.આ. ૨૮૮-૦૦ કિંમતી જમીન પચાવી પાડીને આર્થિક લાભ મળેવી અન્‍યને તા.૨૪/૦૧/૨૦૧૯ના રોજ દસ્‍તાવેજ કરી આપી જમીન વેચી નાખી હતી તેવો કેસ થયેલ.
આ કેસના આરોપી મહેશભાઈ ડોબરીયાએ રૂપિયાની લાલચમાં ખોટા અને બનાવટી દસ્‍તાવેજમાં સાક્ષી તરીકે જીતેન્‍દ્ર ગજરનું નામ ધારણ કરી બનાવટી સહી કરેલ અને ખોટું આધારકાર્ડ સબ રજી. કચેરીમાં રજુ કરેલ. આરોપી મિલનભાઈ ખોડાભાઇ મકવાણાએ ખરીદનાર તરીકે હાજર રહી સહી કરેલ અને સાહેદ રાજીબેન ગોઢાણીયાને વેચી નાખેલ. આરોપી દોલુભા દેવભા સુમાણીયાએ ખોટા બનાવટી દસ્‍તાવેજમાં સાક્ષી તરીકે સહી કરેલ અને ખોટું આધારકાર્ડ રજૂ કરેલ. આરોપી હરસુખ મગનલાલ ચૌહાણએ મરણજનાર ભુરાભાઈ ભાણજીભાઈ પટેલની ઓળખ આપી ખોટું સોગંદનામુ સ્‍ટેમ્‍પ પેપર કરી રજીસ્‍ટ્રાર સમક્ષ રજૂ રાખેલ. આરોપી હરકિશનભાઇ નાનાલાલ દેવડાએ માલિક ભુરાભાઈ ભાણજીભાઈ પટેલનું નામ ધારણ કરી ખોટું આધારકાર્ડ રજૂ કરેલ. આરોપી ભૂપેન્‍દ્રભાઈ ગણેશભાઈ નાથાણીએ કોઈપણ રીતે ઉપરોક્‍ત જમીનની માહિતી મેળવી ત્રાહિત વ્‍યક્‍તિઓને ઊભા કરી બોગસ દસ્‍તાવેજ કરી જમીન પચાવી પાડેલ. જેથી પોલીસમાં ફરિયાદ કરેલ હતી.
આ કેસમાં જેલ હવાલે રહેલ આરોપી મહેશ ચનાભાઈ ડોબરીયાએ જામીન ઉપર છૂટવા સ્‍પેશિયલ સેશન્‍સ કોર્ટ રાજકોટમાં પોતાના વકીલ રૂપરાજસિંહ દ્વારા જામીન અરજી કરેલ જેમાં આરોપીના વકીલ દ્વારા લેખિત અને મૌખિક દલીલો, ઉચ્‍ચ નાયાયલયના ચુકાદાઓ ટાંકી આરોપીને જામીન પર મુક્‍ત કરવા રજૂઆતો કરેલ. જેથી તમામ પક્ષોની રજુઆતો, કેસના સંજોગો તથા ઉચ્‍ચ ન્‍યાયાલયોના ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના લેન્‍ડ ગ્રેબિંગ કાયદા હેઠળના સ્‍પેશિયલ  કોર્ટના જજશ્રી કે.ડી.દવેએ આરોપીના રેગ્‍યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપી મહેશ ચનાભાઈ ડોબરીયા વતી રાજકોટના વકિલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા તથા શક્‍તિભાઈ ગઢવી રોકાયેલ હતા.

 

(10:25 am IST)