Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મોરબી રોડ પરના હડાળાનો ચેકડેમ કાળ બન્યોઃ આશીયા અને અનોખી...સાથે જન્મી સાથે જ મોત

કપડા ધોવા ગયેલી કોળી મહિલા, તેની ૧૨ વર્ષની જૂડવા પુત્રી અને ભત્રીજી ન્હાવા જતાં ડૂબ્યાઃ કાકી-ભત્રીજી બચી ગયા, બે દિકરીનો જીવ ગયોઃ સિતાપરા પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૪: મોરબી રોડ પર આવેલા રાજકોટના હડાળા ગામના ચેકડેમ ખાતે કપડા ધોવા ગયા બાદ ન્હાવા પડેલી હડાળાની કોળી મહિલા, તેની બે જૂડવા પુત્રી અને તેના જેઠની દિકરી એમ ચારેય ડૂબવા માંડતા ત્યાંથી પસાર થઇ રહેલા ભરવાડ યુવાન સહિતનાએ મહિલા અને તેની ભત્રીજી તથા એક દિકરીને બહાર કાઢી લીધા હતાં. એક દિકરી પાણીમાં તણાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમે અડધો કલાકની મથામણ બાદ ચેકડેમમાંથી મૃતદેહ શોધ્યો હતો. હોસ્પિટલે ખસેડાયેલા ત્રણમાંથી મહિલાની અન્ય દિકરીએ પણ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર બંને જૂડવા બહેન હતી. આ બનાવથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ હડાળા રહેતાં રંજનબેન રાજેશભાઇ સિતાપરા (કોળી) (ઉ.વ.૩૫) તથા તેની જૂડવા દિકરીઓ આશીયા (ઉ.૧૨) અને અનોખી (ઉ.૧૨)  તથા જેઠની દિકરી મુશ્કાન રસિકભાઇ સિતાપરા (ઉ.૧૪) ગઇકાલે કપડા ધોવા ગામના ચેકડેમ ખાતે થઇ હતી. જ્યાં કપડા ધોયા બાદ ન્હાવા પડતાં ઉંડા ખાડામાં ડૂબી ગઇ હતી. બચાવો બચાવોની બૂમો સાંભળી ભરવાડ યુવાન તથા બીજા લોકો દોડી આવ્યા હતાં. તેણે રંજનબેન, તેની દિકરી આશીયા અને ભત્રીજી મુશ્કાનને બહાર કાઢી લીધા હતાં. પરંતુ અનોખી ડૂબી ગઇ હતી.

ફાયર બ્રિેગડ ટીમના રાહુલ જોષી, રણજીત ભરડા, મહાવીરસિંહ, મેહુલભાઇ અને મહેશ પરમારે પહોંચી અડધા કલાકની મથામણ બાદ અનોખીનો મૃતદેહ શોધી પોલીસને સોંપ્યો હતો. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ રંજનબેન, મુશ્કાન અને આશિયા પૈકી આશિયાએ પણ દમ તોડી દીધો હતો. આશિયા અને અનોખી બંને જુડવા બહેન હતી. બંનેને એક નાનો ભાઇ છે. રંજનબેનના પતિ રાજેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એન. બી. ડાંગર અને કિશનભાઇ અજાગીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(11:14 am IST)