Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મંગળવારે અરવિંદભાઇ મણીયારના જન્મદિને 'સુર તરંગ' કાર્યક્રમઃ ભાવિનભાઇ શાસ્ત્રી કલા પીરસશે

અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટનું આયોજનઃ કલાપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ પ્રથમ મેયર ધારાસભ્ય અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના પૂર્વ ચેરમેન શ્રી અરવિંદભાઇ મણીયારનો આગામી ૫ ઓકટોબર મંગળવારના રોજ જન્મદિવસ હોય તેમની સ્મૃત્તિમાં રચાયેલા શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેક ૧૯૮૫થી સતત ૩૭ વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની પરંપરા આરંભાઇ છે અને અત્યાર સુધી એકધારી જળવાયેલી છે.

વડોદરાના ભાવિનભાઇ શાસ્ત્રી અને સાથી કલાકારો આ કાર્યક્રમ રજુ કરશે. ભાવિનભાઇને ગુજરાતમાં શહેનશાહ-એ-સુફીવાદ (સુફી ગીતોના બાદશાહ)ના ખીતાબથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેઓએ દેશ-વિદેશમાં ત્રણ હજારથી વધારે લાઇવ પ્રોગામ કરી ખુબ ખ્યાતિ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં તેમણે પંદરથી વધારે લાઇવ પ્રોગામ કરેલ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાયબ્રન્ટ ગુજરાત વગેેરેે સામેલ છે. મુકેશભાઇ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવી સેલીબ્રીટીઓ સમક્ષ પણ ભાવિનભાઇ પોતાની કલા રજુ કરી ચુકયા છે. આવા એક મહત્વના કલાકારનો લાભ રાજકોટના નગરજનોને પ્રથમવાર મળશે.

તા.૫ ઓકટોબર મંગળવારે રાત્રે ૮ કલાકે હેમુ ગઢવી હોલમાં સુર તરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાજરી આપશે. મુખ્ય મહેમાન પદે એનસીયુઆઇના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી રહેશે.

શ્રી અરવિંદભાઇના સાથી કાર્યકરોનું સન્માન કરવાનો ઉપક્રમ પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢેેક દાયકાથી શરૂ કરવામાં આવ્યો છે. આ વર્ષે ઇશ્વરભાઇ ગોગીયા (મરણોત્તર), મધુસુદનભાઇ માણેક, પ્રબોધભાઇ મહેતા, હરીશભાઇ જોષી અને નાગજીભાઇ પટેલનું શાલ તેમજ મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવશે.

કાર્યક્રમની સફળતા માટે શ્રી અરવિંદભાઇ મણીયાર, જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્ટીઓ હંસીકાબેન મણીયાર, જયોતિન્દ્ર મહેતા, કલ્પકભાઇ મણીયાર અને શિવુભાઇ દવે, ઉપરાંત પ્રોજેકટ ઇન્ચાર્જ જયંતભાઇ ધોળકીયા, નિલેશ શાહ, અશોકભાઇ પંડયા, લક્ષ્મણભાઇ મકવાણા, જહાન્વીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, રાજુલભાઇ દવે, પ્રભાતભાઇ ડાંગર, હરીશભાઇ શાહ, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભુપેન્દ્રભાઇ શાહ, ઇન્દ્રવદન રાજયગુરૂ, ભરતભાઇ અનડકટ, જગદીશભાઇ જોષી, કમલેશભાઇ મહેતા અને સંજયભાઇ મોદી, મનીષભાઇ શેઠ, સંજયભાઇ ઓઝા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. સંગીતપ્રેમી જનતાને સંગીત સંધ્યાનો આનંદ માણવા અનુરોધ કરાયો છે.

(3:25 pm IST)