Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

વણકર યુવતીને આત્મહત્યા કરવા મજબુર કરવાના કેસમાં પ્રેમી તથા તેના માતા-પિતાને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટનો આદેશ

આરોપીઓ દ્વારા યુવતી સાથે લગ્ન કરવા પાંચ લાખના દહેજની માંગણીનો આક્ષેપ હતો : ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલની રજુઆતો માન્ય રાખતી સેસન્સ અદાલત

રાજકોટ, તા.,૪:  શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી શીતલબેન બહાદુરભાઈ મકવાણા નામની યુવતિએ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા યુવતિના ભાઈએ યુવતિના પ્રેમી તથા તેના માતા–પિતા વિરૂઘ્ધ યુવતિને આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના આરોપસર ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ–૩૦૬,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ. જે કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા રાજકોટના એડીશ્નલ સેશન્સ જજએ ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારની યુવતિ શીતલને તેના જ વિસ્તારમાં રહેતા અને જ્ઞાતિના યુવક ધર્મેશ પ્રફુલભાઈ ચાંડપા સાથે પ્રેમ સંબંધ બંધાયેલ. જેથી યુવતિના માતા–પિતા લગ્ન અંગેની વાતચીત કરવા ધર્મેશના ઘરે ગયા ત્યારે ધર્મેશના પિતા– પ્રફુલભાઈ તથા ધર્મેશના માતા–વિજુબેનએ યુવતિના માતાપિતા પાસેથી લગ્ન કરવા માટે રૂપિયા પાંચ લાખ દહેજની માંગણીકરી. જે પાંચ લાખ રૂપિયા ચુકવવા યુવતિનો પરિવાર અસમર્થ હોય યુવતિને અન્યત્ર લગ્ન કરી લેવા જણાવતા હતા જેથી આરોપી ધર્મેશએ યુવતિને અવાર–નવાર ફોન કરી બીજે લગ્ન ન કરવા દબાણ કરતો હોય જેથી મરણજનાર યુવતિ ખુબ જ હતાશ રહેતી હતી છેલ્લે ગત તા. ૦૧/૦પ/ર૦૧૮ ના રોજ આરોપી ધર્મેશએ સવારના સમયે મરણજનાર યુવતિ સાથે મોબાઈલમાં વાત કરેલ ત્યારબાદ પંદર મિનીટ પછી યુવતિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધેલ. જે બાબતની ફરીયાદ તે જ દિવસે યુવતિના ભાઈ બહાદુર જીવણભાઈ મકવાણાએ રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપી ધર્મેશ પ્રફુલભાઈ ચાંડપા તથા તેના માતાપિતા પ્રફુલભાઈ ચકુભાઈ ચાંડપા તથા વિજુબેન પ્રફુલભાઈ ચાંડપા વિરૂઘ્ધ આઈ.પી.સી. કલમ–૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓની વિધીસર ધરપકડ કરી આરોપીઓ વિરૂઘ્ધ રાજકોટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.

સદરહુ કેસ રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદપક્ષ તરફથી ફરીયાદી તથા યુવતિના માતા–પિતા, કાકા–કાકી, યુવતિનું પોષ્ટમોર્ટમ કરનાર ડોકટર, પંચો તથા તપાસનીશ અધિકારી સહીત કુલ–૧૭ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવેલ તેમજ ફરીયાદપક્ષ તરફથી અલગ અલગ ૧૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ. ત્યારબાદ ફરીયાદપક્ષનો પુરાવો પુરો થતા સરકારી વકીલએ પોતાની દલીલમાં રજુઆત કરતા જણાવેલ કે રેકર્ડ પર રજુ થયેલ સમગ્ર પુરાવો વંચાણે લેતા ફરીયાદી તથા અન્ય સાહેદો ફરીયાદપક્ષના કેસને સ્પષ્ટપણે સમર્થનકારી પુરાવો આપતા હોય તેમજ કરવામાં આવેલ આક્ષેપો રેકર્ડ પરથી પ્રસ્થાપીત થતા હોય જે તમામ સંજોગો ઘ્યાને લઈ તમામ આરોપીઓને કાયદામાં નિર્દિષ્ટ કરેલ મહતમ સજા કરવા માંગણી કરેલ.

ત્યારબાદ આરોપીઓ તરફે રોકાયેલ ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોનપાલએ પોતાની દલીલમાં એવું જણાવેલ કે હાલના કેસમાં આરોપીઓ વિરૂઘ્ધ જે આક્ષેપો કરવામાં આવેલ છે તે માનવા ખાતર માની લેવામાં આવે તો આરોપીઓને આઈ.પી.સી. કલમ–૩૦૬ હેઠળ દોષીત ઠરાવી શકાય તેમ નથી તેમજ આઈ.પી.સી. કલમ–૧૦૭ તથા ૩૦૬ સંદર્ભે કાયદાકીય જોગવાઈઓ તાકી આત્મહત્યાનો ગુન્હો કેવા સંજોગોમાં બને તે સંદર્ભે વિસ્તૃત છણાવટ કરી દલીલો કરેલ. તેમજ ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોનપાલએ પોતાની દલીલના સમર્થનમાં તાજેતરના નામ. સર્વોચ્ચ અદાલતના અરનબ ગૌસ્વામીના કેસમાં નામ. સર્વોચ્ચ અદાલતે પ્રતિપાદીત કરેલ સિઘ્ધાંતો તરફ કોર્ટનું ઘ્યાન દોરેલ. તેમજ વધુમાં અલ્હાબાદ હાઈકોર્ટ તથા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી તમામ આરોપીઓને છોડી મુકવા રજુઆત કરેલ.

ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો ઘ્યાને લઈ રાજકોટના ૧૧માં એડીશ્નલ સેશન્સ જજશ્રીએ  આરોપીપક્ષ દ્વારા મરણજનારને મૃત્યુ નિપજાવું પડે તેવા કોઈ સંજોગો ઉત્પન્ન કરેલ હોવાનું પુરવાર થતુ ન હોય તેવું ઠરાવી ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં તમામ આરોપીઓના બચાવ પક્ષે ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, હેમલભાઈ ગોહેલ, મલ્હારભાઈ સોનપાલ, હિતેષ ભાયાણી, કોમલ કોટક રોકાયેલા.

(3:31 pm IST)