Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઓનેસ્‍ટ ડ્રાય ક્‍લીનર્સના મુખ્‍ય સંચાલક નિતીનભાઇ જોધપુરાનું ઘરમાં સીડી પરથી લપસી પડતાં મૃત્‍યુ

આઠમની રાતે ઉપરના રૂમમાં આરતીમાં જવા પગથીયા ચઢતી વખતે પડી પડી જતાં માથામાં ઇજાઃ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ ભાવસાર પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૪: ધર્મેન્‍દ્ર રોડ અને યાજ્ઞિક રોડ પર આવેલી શહેરની જાણીતી પેઢી ઓનેસ્‍ટ ડ્રાય ક્‍લીનર્સના મુખ્‍ય સંચાલક  નિતીનભાઇ અમરતલાલ જોધપુરા (ભાવસાર) (ઉ.વ.૭૦)નું ધર્મેન્‍દ્ર રોડ ખાતેના નિવાસસ્‍થાને રાતે સીડી ચઢતી વખતે લપસી પડતાં માથામાં ઇજા થવાથી મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ નિતીનભાઇ જોધપુરા ધર્મેન્‍દ્ર રોડ પર આવેલી ઓનેસ્‍ટ ડ્રાય ક્‍લીનર્સ પેઢીનું સંચાલન કરતાં હતા અને ઉપરના માળે જ રહેતા હતાં. ગઇકાલે નવરાત્રીની આઠમ નિમીતે ઉપરના માળે માતાજીની આરતી થતી હોઇ તેમાં જોડાવા માટે તેઓ સીડી ચઢી રહ્યા હતાં તે વખતે ત્રણ ચાર પગથીયા ચઢયા બાદ અચાનક પડી જતાં માથામાં ઇજા પહોંચી હતી. પરિવારજનોએ તેમને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દેતાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશસિંહ ગોહિલે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્‍સ. કરણભાઇ વિરસોડીયાએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર નિતીનભાઇ ઓનેસ્‍ટ ડ્રાય ક્‍લીનર્સ પેઢીના મુખ્‍ય સંચાલક હતાં. શહેરમાં કપડાને ડ્રાય ક્‍લીનીંગ કરવામાં આ પેઢી આગવું નામ ધરાવે છે. યાજ્ઞિક રોડ ઉપર પણ એક બ્રાંચ છે. નિતીનભાઇ જોધપુરાને સંતાનમાં ત્રણ પુત્રો જીજ્ઞેશભાઇ, વિશાલભાઇ અને અભિષેકભાઇ છે. જેમાં અભિષેકભાઇ અમદાવાદ રહે છે. બીજા બે ભાઇઓ રાજકોટની પેઢી સંભાળે છે. મોભીના મૃત્‍યુથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. નિતીનભાઇના ધર્મપત્‍નિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું.

(4:24 pm IST)