Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાલે રેસકોર્ષમાં રાક્ષસ દહન-શસ્ત્રપૂજન, આતશબાજી, લેસર શો

વિજયાદશમી વિજય કા પાવન હૈ ત્યોહાર, જીત હો ગયી સત્ય કી ઝુઠ ગયા હૈ હાર... : ૬૦ ફૂટ ઉંચા એક અને ૩૦-૩૦ ફૂટ ઉંચા બે પુતળાને કાંડી ચપાશે : સૌને શસ્ત્ર પૂજનની તક : વિનામૂલ્યે કાર્યક્રમ માણવા ઉમટી પડવા વિહિપની અપીલ

રાજકોટ, તા. ૪ : પરંપરાગત મુજબ વિ.હિ.પ. બજરંગદળ-દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ભાવભેર, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં આ વર્ષ પણ કાલે તા. ૦પ-૧૦ બુધવારે રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ કલાકે અનેક વિધ કાર્યક્રમોની હારમાળ સર્જાવાની છે. આ વર્ષે પૂતળા દહન-શસ્ત્ર પૂજન- આતશબાજી સાથે નવીનતમ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ એક નવું આકર્ષણ ઉમેરાતા પ્રજાજનોને દર વર્ષ કરતા પણ વિશેષ આનંદ આવશે.

આ વર્ષે પણ ગુજરાતનું સૌથી ઉંચા પુતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહ્યો છે. આ વખતે ગુજરાતના સૌથી ઉંચો ૬૦ ફૂટનો રાક્ષસ તથા અન્ય ૩૦-૩૦ ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી નિષ્ણાંત કારીગરોને રાજકોટ આવ્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે આકાશમાં નયન રમ્ય રંગોળી રચાશે. આ વર્ષે ખાસ તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓમાં ર૪૦ રંગીન ફેન્સી શોટ, ર૪૦ રંગીન મલ્ટી મ્યુઝીક શોટ, ૧૦૦ મ્યુઝીકલ કલર શોટ, ૧૦૦ મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, ૧૦૦ કલર ફુલ શોટ, પ૦ મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, પ૦ ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ પ૦૦૦ ફુટ ઉપર ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ, મલ્ટી મીકસ આતશબાજી હેવી, રેડ સાવર, લીલ સાવર, લાલ કલર ઝૂમખા હેવી શોટ, બેડ સ્ટ્રીટ બોય હેવી શોટ, નીલા એન્જલ શોટ, પંટર સ્ટ્રોમ, પાયો રંગીન, લીંબાગીડી, સ્કાય ફલોર, કેપેસીનો, ગોલ્ડ સ્ટાર, બાસ્કેટ બોલ, વગેરેનો સમાવેશ થાય છે.

દર વર્ષે પ્રજાજનો સ્વયંભુ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. આ વર્ષે તેમાં એક નવુ નજરાણુ ઉમેરતા સૌપ્રથમ વખત લાઇટ એન્ડ સાઉન્ડ પર આધારીત થીમ બેઇઝ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લેસર શોનાં સંચાલક અમર ઠાકર દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવેલ કે તેઓ દ્વારા દશેરા નિમિતે  અલગ-અલગ પ્રકારની લાઇટ એન્ડ સાઉન્ડ સીસ્ટમના ઉપયોગ થકી જમીનથી ૪૦ ફુટ ઉંચે ખાસ પ્રકારની સ્ક્રીન બનાવી તેના પર રામાયણના દ્રશ્યોને સજીવ સ્વરૃપ આપવામાં આવશે. આ લેસર શોમાં ખાસ સ્વીર્ઝલેન્ડ બનાવટની લેસર લાઇટની સ્પેશીયલ ઇફેકટ સાથે આ શો યોજવામાં આવશે. જેમાં મુખ્ય ચાર અતિ આધુનિક લેસર તથા ર૦ અન્ય લેસર લાઇટ દ્વારા આ શો કરવામાં આવશે. તેમજ લેસર લાઇટ દ્વારા ડીમ શોના અદ્ભૂત દ્રશ્યો જેમાં ફોગીંગ દ્વારા લેસર શો કરવામાં આવશે તથા આ લેસર શો માં ભગવાન શ્રીરામના જન્મથી લઇ આખરી યુધ્ધ સુધી એક ટૂંકી કથા પ્રસાર કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી અના લેસર શો કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ કાલે બુધવારે સાંજે ૭ વાગ્યે રેસકોર્સ મેદાનમાં યોજાનાર છે.

વિજયાદશમી નિમિત્તે દરેક હિન્દુ સમાજમાં શસ્ત્રોનું પૂજન કરવાનું અનેરૃં મહત્વ રહેલું છે. બાળકોને હિન્દુ સંસ્કૃતિ અને રીતે-રીવાજો વિશે જાગૃતિ રહે તથા પણા સંસ્કારો સાથે બાળકો જોડાયેલા રહે તેવા હેતુસર કાર્યક્રમ સ્થળે એક ખાસ પંડલા દર વર્ષની માફક બનાવવામાં આવ્યો છે. આ પંડાલમાં શસ્ત્રો ગોઠવવામાં આવશે. જેના પૂજનનો લાભ તમામ પ્રજાજનો લઇ શકશે. આ સમગ્ર આયોજન જેમાં પૂતળાદહન-શસ્ત્ર પૂજન -અતિભવ્ય નવીનતમ આતશબાજી તથા લેટેસ્ટ સાઉન્ડ એન્ડ લાઇટ ઇફેકટલેસર શો સહિતના કાર્યક્રમો યોજાવાના છે જેનો રાજકોટના લોકો બહોળી સંખ્યામાં લાભ લે તેવું સર્વેને આમંત્રણ વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઇ રૃપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઇ ચંદારાણા તથા કોષાધ્યક્ષ વિનુભાઇ ટીલાવતે અનુરોધ કરેલ છે. તેમ પ્રચાર પ્રસાર વિભાગના નિતેશ કથીરીયા જણાવે છે.

(4:36 pm IST)