Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કિશાન અગ્રણી પક્ષીવિદ દિલીપ તંતી ઉપરના ખૂની હુમલા પ્રકરણમાં બે શખ્સો પકડાયા

ઘનશ્યામ અને હિરેનનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની તજવીજઃ અન્ય ૩ની શોધ

રાજકોટ તા. ૪ :.. લોધીકાના પાળ ગામ પાસે ત્રણ દિ' પૂર્વે જાણીતા પક્ષીવિદ અને કિશાન અગ્રણી દિલીપભાઇ તંતી ઉપર થયેલ ખૂની હુમલા પ્રકરણમાં લોધીકા પોલીસે બે શખ્સોને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગત તા. ૧ નાં રોજ સાંજે પક્ષીવિંદ અને કિશાન અગ્રણી દિલીપભાઇ તંતી રે. રાજકોટ તેની પાળ સ્થિત વાડીએ ગયેલ ત્યારે પરસોતમભાઇ સોરઠીયા, નીખીલ પરસોતમભાઇ ઘનશ્યામ, પરસોતમભાઇના જમાઇ હિરેન તથા પરસોતમભાઇના ભાઇ જયેશ રે. રાજકોટએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી કોયતા, લાકડાના ધોકા તથા લોખંડના પાઇપથી ખૂની હુમલો કર્યો હતો. અને દિલીપભાઇ તંતીની કારમાં તોડફોડ  કરી તેની રિવોલ્વર લૂંટી લીધી હતી. અચાનક હૂમલો થતા દિલીપભાઇ તંતીએ સ્વબચાવમાં તેના લાયસન્સવાળા હથિયારમાંથી હવામાં ફાયરીંગ કર્યુ હતું. આ બનાવ અંગે દિલીપભાઇ તંતીએ ઉકત પાંચેય શખ્સો સામે હત્યાની કોશિષ સહિતની કલમો તળે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. સામાપક્ષે નીખીલભાઇ સોરઠીયાએ દિલીપભાઇ તંતી તથા બે અજાણ્યા શખ્સો સામે હૂમલો કર્યાની પોલીસમાં ફરીયાદ કરી હતી.

દરમિયાન પક્ષીવિંદ દિલીપભાઇ તંતી ઉપરના ખૂની હુમલામાં સંડોવાયેલ ઘનશ્યામ અને હિરેન નામના શખ્સને લોધીકાના પી. એસ. આઇ. એચ. એમ. ધાંધલ તથા સ્ટાફે દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે. બન્ને શખ્સોનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરાશે. તેમજ ખૂની હુમલામાં સંડોવાયેલ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

(1:04 pm IST)