Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજકોટના પ૦ ટકા વિસ્તારની મીલકતો અંગે આજથી રાત્રે ૯ સુધી દસ્તાવેજો થઇ શકશે

રાજકોટ ઉપરાંત પ જીલ્લાને સૂચનાઃ યાજ્ઞિક રોડ-શ્રોફ રોડ-સદર વિસ્તાર આવરી લેવાયા... : કામનું ભારણ વધતા ગાંધીનગરથી નોંધણી નિરિક્ષક દિનેશ પટેલનો આદેશ

રાજકોટ તા. ૪: રાજકોટમાં દિપાવલી સંદર્ભે પ્લોટ-મકાન-ખેતરો-ફલેટ-એપાર્ટમેન્ટ વિગેરેના સાટાખત-દસ્તાવેજો અંગેનો ભારે ધસારો ઉદ્દભવ્યો છે, રાજકોટ શહેરમાં કુલ ૮ ઝોન છે, તેમાંથી તમામ ઝોનમાં રોજના ૪૦-૪૦ સ્લોટ પેક થઇ ગયાનું અધીકારી સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આ ધસારો જેમાં ગાંધીનગરથી નોંધણી નિરિક્ષકશ્રી દિનેશ પટેલે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી આજથી રાજકોટના પ૦ ટકા વિસ્તારની મીલકતો અંગે સવારે ૧૦ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી દસ્તાવેજો ચાલુ રાખવા અંગેની સુચના જાહેર કરી છે.

રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧, ૩, ૪ અને ૬ માં સમાવેશ વિસ્તારોની મીલકતો કે જેમાં ખરીદ-વેચાણ થઇ રહ્યા છે, તેના દસ્તાવેજ રાત્રીના ૯ સુધી ચાલુ રાખવા આદેશો થયા છે, આમાં વોર્ડ નં. ૧૩, ૧૪, યાજ્ઞિક રોડ, શ્રોફ રોડ, સદર વિસ્તાર, મોટા મવા તથા અન્ય ૧પ૦ થી ર૦૦ ક્ષેત્રના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ગાંધીનગરથી મુખ્ય નોંધણી નિરિક્ષક શ્રી દિનેશ પટેલે રાજકોટ ઉપરાંત પ જીલ્લાના કલેકટરો-સબ રજીસ્ટ્રાર કચેરીઓને આ બાબતની સૂચના જાહેર કરી છે.

(2:54 pm IST)