Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

તહેવારો વખતે જ મ્યુ. કોર્પો. દ્વારા ધોકા પછાડી વેપારીઓને હેરાન કરવાનું શરૂ કરતા ચેમ્બર લાલઘુમ

દિવાળીના દિવસોમાં વેપારીઓની હેરાનગતિ ચલાવી નહિં લેવાયઃ વી. પી. વૈષ્ણવ : વેપારીઓ સાથે અસામાજીક તત્વોની જેવો વ્યવહાર કેમ? ચેકીંગ વ્યાજબી પણ કનડગત ચલાવી ન લેવાય

રાજકોટ તા. ૪: કોરોના મહામારીના કપરા સમયમાં લોકડાઉન દરમ્યાન સતત છ મહિના સુધી વેપાર-ધંધા વગરના બેઠેલા વેપારીઓને દિવાળીના તહેવારોમાં વેપાર કરવાની આશા જાગી છે ત્યારે તહેવારોના સમયમાં જ રાજકોટ મ્યુનિસિપલ તંત્રએ ધોકો પછાડી વેપારીઓને હેરાન પરેશાન કરી દંડવાનું શરૂ કરતા સમગ્ર વેપારી ગણનું હિત ધરાવતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વેપારી મહાજનમાં રોષની લાગણી પ્રસરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ એક નિવેદનમાં જણાવેલ છે કે વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આ દેશની આર્થિક કરોડરજજુ સમાન છે. તેના ઉપર કોઇપણ પ્રકારની કનડગત કે નુશાન પહોંચાડવાની ચેષ્ટા રાજકોટ ચેમ્બર કયારેય સહન નહીં કરી લે. રાજકોટ મ્યુનિસિપલ તંત્રને વર્ષ દરમ્યાન કયારેય પણ કામગીરી દેખાડવાનો સમય મળતો ન હોય અને દિવાળીના આડે માત્ર બાર દિવસ જ રહ્યા હોય ત્યારે વેપારીઓ ઉપર આવી રીતે અચાનક જ તુટી પડવાનું કારણ શું?

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા વેપારીઓ પર તુટી પડવાના આદેશ કરેલ જેના પગલે ફુડ વિભાગ શહેરના અલગ-અલગ વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, દુધની ડેરીઓ, સ્વીટની દુકાનો, ડ્રાયફુટના વેપારીઓને ત્યાં દરોડા પાડી તહેવારોના સમયમાં વેપારીઓને હેરાન કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડતા પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ જણાવે છે કે વેપારીઓને અસામાજીક તત્વોની જેમ એક જ લાકડીએ હાંકવામાં ન આવે એ જરૂરી છે. છતાં પણ નિર્દોષ વેપારીઓને વગર વાંકે હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના પરીણામ સારા નહીં આવે. તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે એ સો ટકા માન્ય છે પરંતુ ખોટી કનડગત કરવી એ એક ટકો પણ અમાન્ય છે.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે લોકડાઉન દરમ્યાન ખોરવાયેલ આર્થિક વ્યવસ્થાની ગાડી પાટે ચડાવવા માટે વેપારીઓના હિતમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીલ્લા વહીવટી તંત્રની સાથે કદમ એ કદમ મીલાવી દરેક વેપારીઓને સરળતાથી પાસ પરમીટ મળી રહે એવી વિગેરે વ્યવસ્થાઓ ગોઠવી ખુબ જ સરાહનીય કામગીરી બજાવી હતી.

અંતમાં પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ જણાવે છે કે આખું વર્ષ હાથ ઉપર હાથ રાખીને બેઠી રહેલી ફુડ શાખાને તહેવારો દરમ્યાન જ સુરાતન ચડતા વેપારીઓને દંડવાનું ચાલુ કરેલ છે. એ તાત્કાલીક અસરથી બંધ કરે અને દિવાળીના તહેવારોમાં વેપારીઓ મુકત મને વેપાર ધંધો કરી શકે એવી મ્યુનિસિપલ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગણી છે. સાથો સાથ રાજકોટ ચેમ્બર દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીને એવી પણ રજુઆત કરેલ છે કે લોકડાઉનમાં ધંધા-રોજગારમાં માઠી અસર પડવાને કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ કથળી ગયેલ છે જે દિવાળીના તહેવારોમાં સરભર થઇ શકે એ માટે વેપારીઓને દુકાનો મોડે સુધી ખુલી રાખવાની મંજુરી આપવા રજુઆત કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:59 pm IST)