Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

લેન્ડ ગ્રેબીંગના બે ગુનાઃ એકમાં બે આરોપીના ૬ દિ'ના રિમાન્ડ મળ્યાઃ અન્યમાં એકની ધરપકડ, બીજાનો જેલમાંથી કબ્જો લેવાશે

તાલુકા પોલીસમા નોંધાયેલા વાવડીના કોૈભાંડમાં કનકસિંહ અને મહાવીરસિંહના રિમાન્ડ મળ્યાઃ પ્ર.નગર પોલીસે કોરોના ટેસ્ટ બાદ અબામહમદની અટકાયત કરીઃ રિયાઝનો જેલમાંથી કબ્જો મેળવવા કાર્યવાહી : અબામહમદે કહ્યું-રિયાઝે ધાકધમકી આપી મારી પાસે સહીઓ કરાવી હતી

પ્રથમ તસ્વીરમાં વાવડીના ગુનામાં જેના રિમાન્ડ મળ્યા તે બે આરોપી અને બીજી તસ્વીરમાં પ્ર.નગરના ગુનાના આરોપી અબામહમદ અને જેલમાંથી જેનો કબ્જો લેવાનો છે તે  રિયાઝ નજરે પડે છે.

રાજકોટ તા. ૫: રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદે રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફીયાઓ સામે સરકારશ્રીના ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ હેઠળ ગઇકાલે એક જ દિવસમાં બબ્બે ગુના દાખલ થયા છે. જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં  કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા તથા મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા (રહે. વાવડી) સામે ગુનો નોંધી કનકસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી. બંનેના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજી તરફ પ્ર.નગર પોલીસમાં ગુજસીટોકના ગુનામાં જામનગર જેલમાં રહેલા નામચીન રિયાઝ ઇસ્માઇલભાઇ દલ અને અબામહમદ ઉમરભાઇ જાબરી સામે પારકા મકાનનો ખોટો દસ્તાવેજ ઉભો કરી પચાવી પાડી ઘરધણીને ધમકી આપ્યાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં અબામહમદની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ થઇ છે, જ્યારે રિયાઝનો જેલમાંથી કબ્જો મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

તાલુકા પોલીસમાં રેનુબેન યોગેન્દ્રભાઇ મુળચંદભાઇ મહેતા (ઉ.વ.૬૦-રહે. પ્રદ્યુમન ગ્રીનસીટી પાસે વૃંદાવન સોસાયટી રાજયોગ એપાર્ટમેન્ટ  ફલેટ નં. ૪૦૧-નાના મવા રોડ)ની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુનો નોંધી ગઇકાલે જ મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીના મમ્મી મીનાબેન મહાસુખલાલ પારેખની માલિકીની જમીનની કમ્પાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કરી તેમજ જગ્યા પરના સિકયુરીટી ગાર્ડ અને સ્ટાફના માણસોને ધમકી આપી મોટી રકમ પડાવવાનો પરયાસ કરાયો છે.

આ મામલે  તા. ૨૩/૧૨/૨૦૨૦ના રોજ કલેકટર કચેરી ખાતે રેનુબેન મહેતાએ લેખિત અરજી આપેલી હતી. આ અરજી અન્વયે કલેકટરશ્રીની કચેરીએ આ કાયદા હેઠળ નિમાયેલ સમિતિની તા.૩૦-૧૨-૨૦૨૦ની બેઠકમાં કનકસિંહ અને મહેન્દ્રસિંહ સહિતના આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવાનો હુકમ કરતાં ગઇકાલે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેની ધરપકડ થઇ છે તે બંને આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોર્ટએ ૦૬ દિવસના રિમાન્ડ મંજુર કરતાં બંનેને સ્થળ પર લઇ જઇ પંચનામુ કરવા સહિતની કાર્યવાહી થશે. અન્ય આરોપી મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાની ધરપકડ બાકી છે. એસીપી જે. એસ. ગેડમ, તાલુકાના ઇન્ચાર્જ કે. એન. ભુકણ, પીએસઆઇ એન. ડી. ડામોર, રાઇટર ઇમ્તિયાઝભાઇ સહિતનો સ્ટાફ તપાસ કરે છે.

બીજા ગુનામાં પ્ર.નગર પોલીસે હાલ અમદાવાદ રહેતાં મુળ રાજકોટ સિંધી કોલોની શાસ્ત્રીનગરના રાજકુમાર હેમનદાસ ધનરાજાણી (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી  રિયાઝ ઇસ્માઇલભાઇ દલ અને અબામહમદ ઉમરભાઇ જાબરી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમો તેમજ આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪ મુજબ ગુનો દાખલ કર્યોહતો. આ ગુનામાં અબામહમદ જાબરીને સકંજામાં લઇ કોરોના ટેસ્ટ કરાવાયા બાદ આજે તેની ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિયાઝ ગુજસીટોકના ગુનામાં જામનગર જેલમાં હોઇ તેનો કબ્જો હવે મેળવાશે.

ફરિયાદી રાજકુમાર ધનરાજાણીના માતુશ્રીનું મકાન રાજકોટ શાસ્ત્રીનગરમાં બ્લોક નં. ૨૨૨ આવેલુ છે તેનો ખોટો ભાડા કરાર રિયાઝે ઉભો કરી મકાનનો કબ્જો આપી દીધો હતો. તેમજ અબામહમદે ફરિયાદી અને ફરિયાદીના પત્નિ વિરૂધ્ધ રાજકોટ સિવિલ કોર્ટમાં આ રહેણાંક મકાનનો  ભાડાવાળી મિલ્કત ખાલી કરાવે નહિ તેનો કાયમી હુકમ મેળવવા તેમજ ખોટી ફરિયાદ કે અરજી દાખલ કરવા બાબતે મનાઇ હુકમ મેળવવા દાવો કોર્ટમાં દાખલ કરી મકાનનું ટાઇટલ બગાડી નાંખવાનો પ્રયત્ન કરી જે દાવો કોર્ટમાં રદ થઇ જતાં રિયાઝે બાદમાં આ મકાનમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી ફરિયાદીને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી તેમજ તેમજ રિયાઝે પોતાની પત્નિ સંતાનો સાથે મકાનમાં ગેરકાયદેસર રીતે રહી કબ્જો જમાવી પચાવી પાડવાનો ઇરાદો પાર પાડ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ગુનાની તપાસ એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ. એલ. ચાવડા, સંજયભાઇ દવે સહિતનો સ્ટાફ કરે છે. અબામહમદે એવું રટણ કર્યુ હતું કે રિયાઝે ધમકી આપી પોતાની સહીઓ લઇ લીધી હતી. તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે. રિયાઝનો જેલમાંથી કબ્જો લેવાશે.

(3:14 pm IST)