Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શહેરમાં ૩૯૨૫ મતદારો વધ્યા : કુલ આંક ૧૦.૬૮એ પહોંચ્યો

રાજકોટ મ.ન.પા.ની સુધારેલી મતદાર યાદી પ્રસિધ્ધ :સૌથી વધુ વોર્ડ નં. ૩માં ૭૬ હજાર મતદારો અને સૌથી ઓછા વોર્ડ નં. ૫માં ૪૮ હજાર મતદારો : ૫.૫૩ લાખ પુરૂષ અને ૫.૧૪ લાખ સ્ત્રી મતદારો : વોર્ડ નં. ૧ થી ૧૮ની તમામ વોર્ડ ઓફિસે ફોટાવાળી મતદાર યાદી જોઇ શકાશે

રાજકોટ તા. ૫ : શહેરના ૧૮ વોર્ડની પ્રાથમીક મતદાર યાદીની પ્રસિદ્ઘિ આજે મ્યુ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જેમાં ૧૮ વોર્ડના કુલ ૧૦.૬૮ લાખ મતદારો હોવાનું અને સૌથી વધુ વોર્ડ નં. ૩માં૭૬ હજાર મતદારો તેમજ સૌથી ઓછા વોર્ડ નં. પમાં ૪૮ હજાર મતદારો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશન દ્વારા સતાવાર પ્રસિદ્ઘ થયેલ મતદાર યાદમાં જણાવાયા મુજબ શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કુલ ૫,૫૩,૭૭૧ પુરૂષ ત્થા ૫,૧૪,૭૧૮ મહીલાઓ મતદારો તથા અન્ય ૧૮ હજાર સહીત કુલ ૧૦,૬૮,૫૮૨ મતદારો છે.

નોંધનીય છે કે ર૦૧પમાં ૮.૪૮ લાખ મતદારો હતા જેમાં શહેરમાં ભેળવાયેલ માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહરપર ગામોના મતદારો સહીત કુલ ર.૧૬ લાખ મતદારોનો વધારો થયો છે.

અત્રે એ પણ નોંધનીય છે કે શહેરના તમામ વોર્ડની ઓફીસો ત્થા સેન્ટ્રલ ઝોન કચેરીમાં આ પ્રાથમિક મતદાર યાદી રાખવામાં આવી છે. અને આ મતદાર યાદીમાં મ્યુ.કોર્પોરેશનની સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્રકો ભરવાની તારીખના ૧૦ દિવસ અગાઉ સુધી સુધારા-વધારા અને વાંધા સુચનો સ્વીકારવામાં આવશે.

આ પ્રાથમિક મતદાર યાદી વિધાનસભા વાઇઝ તૈયાર કરાવેલ મતદાર યાદી ઉપરથી તૈયાર કરવામાં આવી છે.

અગાઉ પણ પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ થયેલ જેમાં શહેરનાં કુલ મતદારો ૧૦.૬૮ લાખ હતા ત્યારબાદ ફરી સુધારા - વધારા કરી જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિની મતદાર યાદી આજે પ્રસિધ્ધ થતાં તેમાં ૩,૯૨૫ મતદારો વધતા શહેરનાં કુલ મતદારો ૧૦.૬૮ લાખ થયા છે.

(3:20 pm IST)