Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રેસકોર્ષ મેદાનમાં હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટ

હાથશાળ, માટીકામ, ચર્મ અને કુટીર ઉદ્યોગના ૧૫૦ થી વધુ સ્ટોલ : ૧૩ મી સુધી ખુલ્લા રહેશે

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૫ : ગુજરાત રાજય ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ કાર્યાન્વીત ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા તા. ૪ થી તા. ૧૩ સુધી રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે 'હસ્તકલા પર્વ, પ્રદર્શન સહ વેચાણ હાટ' નું આયોજન કરાયુ છે.

ગઇકાલથી શરૂ થયેલ આ પ્રદર્શન કમ વેચાણ હાટમાં વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના કુલ ૧૫૦ વ્યકિતગત કારીગરો, મંડળીઓ, સંસ્થાઓ સ્વસહાય જુથો, સખી મંડળો, કલસ્ટર્સ કારીગરો દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે.

પ્રદર્શનનો સમય સવારે ૧૧ થી રાત્રીના ૮ સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ  હાથસાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટેમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ ફલાવર પોટ, માટીના ઘરેણા વગેરે વસ્તુઓ પ્રદર્શન કમ વેંચાણ અર્થે મુકવામાં આવેલ છે.

સમગ્ર આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડી. એમ. શુકલ (જીએએસ) ના માર્ગદર્શન હેઠળ મેનેજર  આર. આર. જાદવના સંકલન હેઠળ કરવામાં આવેલ છે. વધુને વધુ મુલાકાતીઓએ લાભ લઇ હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહીત કરવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:22 pm IST)