Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

શહેરમાં રૌદ્ર સ્વરૂપ પકડતો કોરોનાઃ વધુ ૧૬ કાળનો કોળીયોઃ ૭૫ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૧૪ પૈકી ૨ જ કોવિડ ડેથઃ હાલમાં ૧૨૫૦ દર્દીઓ સારવાર હેઠળ ૭ લાખ શહેરીજનોએ કોરોના ટેસ્ટીંગ કરાવ્યુઃ કુલ કેસનો આંક ૨૦,૦૭૮એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૫૦૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૨.૫૧ ટકા થયો

 રાજકોટ તા. ૫: શહેર - જિલ્લામાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૧૬નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૭૫ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૪નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧૬ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧૪ પૈકી બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૮૫ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૨૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૭૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૭૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૦,૦૭૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૮,૫૦૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૬,૩૬૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૩૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૬૬ ટકા થયો  હતો. જયારે ૧૫૩ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૦૩,૬૪૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૦,૦૭૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૪ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૧૨૫૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:33 pm IST)