Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના ફરી લઇ રહ્યો છે તંત્રની કસોટીઃ સિવિલ કોવિડ સેન્‍ટરમાં પથારીઓ ફૂલ

રાજકોટ સિવિલમાં ૪૮૦ બેડ ભરાઇ જતાં જુના વોર્ડ નં. ૧૦, માનસિક રોગ વિભાગ સહિતના વોર્ડમાં નવા દર્દીઓ માટે વ્‍યવસ્‍થા ગોઠવાઇ

રાજકોટ તા. ૫: વૈશ્વિક મહામારી કોરોના ફરીથી ઉપાડો લીધો છે. એકાએક પોઝિટિવ કેસ અને મરણનું પ્રમાણ રાજકોટ શહેરમાં વધી જતાં તંત્રવાહકોની ફરી કસોટી શરૂ થઇ છે. સિવિલ હોસ્‍પિટલમાં એક તબક્કે સાવ ખાલી થવા આવેલી કોવિડ હોસ્‍પિટલ ફરીથી પોઝિટિવ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. કોવિડ સેન્‍ટરના પાંચેય માળ દર્દીઓથી ભરાઇ ગયા છે. ૪૮૦ બેડની અહિ સુવિધા છે. આ તમામ બેડ આજના દિવસે ફુલ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલના અન્‍ય વિભાગોમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. કલેકટર તંત્રની સીધી દેખરેખ હેઠળ હોસ્‍પિટલ તંત્રવાહકો દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને તમામ વ્‍યવસ્‍થા ગોઠવાઇ જાય તે માટે કામ કરી રહ્યા છે.

જાણવા મળ્‍યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં એકાએક કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્‍યા વધી જતાં તંત્રવાહકો ફરીથી દોડતા થઇ ગયા છે. સિવિલ હોસ્‍પિટલના કોવિડ કેર સેન્‍ટરમાં હજુ વીસ પચ્‍ચીસ દિવસ પહેલા માંડ બાવીસ જેટલા દર્દીઓ હતાં પરંતુ એકાએક દર્દીઓની સંખ્‍યા છેલ્લા કેટલાક દિવસમાં વધવા માંડતાં ફરીથી કોવિડ સેન્‍ટરના પાંચેય માળ શરૂ કરવા પડયા છે. અગાઉ માત્ર એક જ માળ પર કોવિડ પેશન્‍ટ દાખલ હોઇ તંત્રવાહકોએ કોરોના કાબૂમાં આવી ગયાની રાહત અનુભવી હતી. પરંતુ અચાનક કોરોનાએ ફરી ફૂંફાડો મારતાં ધડાધડ દર્દીઓ વધવા માંડતા અને મરણનું પ્રમાણ પણ વધવા માંડતા ફરીથી સિવિલ હોસ્‍પિટલના તંત્રવાહકોની દોડધામ વધી ગઇ છે.

કોવિડ સેન્‍ટરના પાંચ માળમાં ૪૮૦ બેડની સુવિધા છે. જાણવા મળ્‍યા મુજબ આ તમામ પથારીઓ ફુલ થઇ ગઇ છે. તંત્રવાહકોને નવા આવતાં દર્દીઓને દાખલ કરવા માટે વોર્ડ નં. ૭, ૧૦ અને ૧૧માં બીજી વ્‍યવસ્‍થા ઉભી કરી છે. અગાઉ પણ આ દર્દીઓ વધ્‍યા ત્‍યારે આ વોર્ડને કોવિડ વોર્ડમાં રૂપાંતરીત કરવામાં આવ્‍યા હતાં. આ વખતે માનસિક રોગ વિભાગમાં પણ કોરોના પેશન્‍ટને રાખવાની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. ઓચીંતા પોઝિટિવ પેશન્‍ટ વધી જતાં ફરીથી હાલત બગડી છે. હાલ સિવિલ કોવિડમાં ૮૦થી વધુ દર્દીઓ વેન્‍ટીલેટર પર હોવાનું જાણવા મળ્‍યું છે અને હજુ પણ નવા દર્દીઓની આવક ચાલુ રહી છે.

ખાનગી હોસ્‍પિટલોમાં પણ મોટા ભાગના બેડ ફુલ થઇ ગયાનું જણાવાઇ રહ્યું છે. બીજી તરફ રેમડેસિવીર ઇન્‍જેક્‍શન અને ટેસ્‍ટીંગ કીટની અછત પણ ઉભી થઇ હોઇ દેકારો મચ્‍યો હતો. આ અછત દૂર કરવા કલેક્‍ટર તંત્ર સક્રિય બન્‍યું છે. આજે કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં એક ખાસ બેઠક પણ યોજાવાની હોવાનું જણાવાય છે.

સિવિલ હોસ્‍પિટલમાં કોવિડ રસિકરણ આજથી ઓડિટોરીયમ ખાતે થશે

રાજકોટ તા. ૫: સિલિ હોસ્‍પિટલમાં કોવિડ રસિકરણ કેન્‍દ્ર અત્‍યાર સુધી કોવિડ હોસ્‍પિટલ બિલ્‍ડીંગમાં કાર્યરત હતું. પરંતુ હવે આ જગ્‍યાએ દર્દીઓ માટે ૨૫ થી ૩૦ વધારાના બેડ મુકવાના હોઇ જેથી રસિકરણ કેન્‍દ્ર આજ તા. ૫થી સિવિલ હોસ્‍પિટલના પોસ્‍ટ મોર્ટમ રૂમ નજીક આવેલા પીડીયુ મેડિકલ કોલેજના ઓડિટોરીયમ ખાતે ફેરવવામાં આવ્‍યું છે.રસિકરણ માટે આવતાં લોકોને સિવિલ હોસ્‍પિટલના જામનગર રોડ તરફના કે. ટી. ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ સામેના હાલમાં જ ખોલવામાં આવેલા ગેઇટમાંથી એન્‍ટ્રી લેવા હોસ્‍પિટલ તંત્ર તરફથી જણાવવામાં આવ્‍યું છે.

(1:12 pm IST)