Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીકલ એજયુકેશનની જનરલ બોડીમાં ડો.અર્જુનસિંહ રાણાને સ્થાન

રાજકોટ, તા., ૫:  શારીરીક શિક્ષણ ક્ષેત્રે આગવુ નામ ધરાવતી લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ  ઓફ ફિઝીકલ એજયુકેશનની જનરલ બોડીની રચના કેન્દ્ર સરકારના યુવા સાંસ્કૃતિક અને રમત-ગમત મંત્રાલય દ્વારા કેન્દ્રીય રમત-ગમત મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં કરવામાં આવી. આ બોડીમાં સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.અર્જુનસિંહ રાણાની નિમણુંક કરવામાં આવી છે. ભારતભરમાંથી એક માત્ર સ્ટેટ યુનિવર્સિટીના કુલપતિ શ્રી અર્જુનસિંહ રાણાની નિયુકતી આ જનરલ બોડીમાં થયેલ છે તેને ગુજરાતના રમત-ગમત અને શારીરીક શિક્ષણના વિદ્વાનોએ ગૌરવરૂપ ગણાવી છે.

સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિપદે ડો. રાણાની નિમણુંક થઇ ત્યાર પછીના ર વર્ષના ગાળામાં યુનિવર્સિટી થયેલી આગવી પ્રગતી અને નોંધનીય લીડરશીપને કારણે ડો.રાણાની આ નિમણુંક રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી છે. આ બોડીના અન્ય સભ્યોમાં સચીવશ્રી (રમત ગમત), કેન્દ્રીય રમત ગમત મંત્રાલય, નાણાકીય સલાહકાર શ્રી કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય, સચીવશ્રી યુનિવર્સિટી ગ્રાંન્ટસ કમીશન, અધ્યક્ષ શ્રી નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન, સચિવશ્રી રાજય રમત-ગમત વિભાગ, રજીસ્ટ્રાર શ્રી લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીકલ એજયુકેશનનો સમાવેશ થાય છે.

આ બોડી રમત-ગમત ક્ષેત્રના વિવિધ નવા સાહસો, નવા અભ્યાસક્રમો માટે માર્ગદર્શન આપશે. ઇન્સ્ટીટયુટ થકી રાજય અને રાષ્ટ્રના રમત-ગમત અને શારીરીક શિક્ષણના વિકાસમાં ફાળો મળી રહેશે.

સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ પદે કાર્યરત ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફિઝીયોથેરાપીસ્ટ તેમજ ભારતીય ક્રિકેટ ટીમના ટ્રેનર તરીકે ઇન્ડીયા અંડર-૧, ઇન્ડીયા-એ અને ઇન્ડીયા-સિનીયર ટીમ  સાથે ભુતકાળમાં કામ કરી ચુકયા છે. તંદુપરાંત તેઓ આઇ.સી.સી. વર્લ્ડ કંપની નેધરધરલેન્ડ ટીમના મેનેજર તરીકે પણ  રહી ચુકયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસીએશન સાથે છેલ્લા ર૬ વર્ષથી તેઓ સક્રિયપણે સંકળાયેલા છે.

નેશનલ ક્રિકેટ એકેેડેમીની સ્થાપનાના પ્રથમ દિવસથી જ ડો.અર્જુનસિંહ રાણાએ સ્પોર્ટસ સાયન્ટીસ્ટ તરીકે કામ કર્યુ છે. સ્પોર્ટસ સાયન્સ ક્ષેત્રના બહોળા અનુભવ અને કુશળતાને ધ્યાને લઇ રાષ્ટ્રીય કક્ષાની લક્ષ્મીબાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ  ઓફ ફિઝીકલ એજયુકેશનની જનરલ બોડીમાં તેઓની નિયુકતી કરવામાં આવી છે. જે ગુજરાત રાજય માટે પ્રસંશનીય અને ગૌરવરૂપ છે.

(2:58 pm IST)