Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બકરાના ચારા માટે ડાળખી કાપવા ઝાડવે ચડ્યા, ધારીયું ૧૧ કેવી વિજ લાઇનને અડી જતાં કરંટ લાગ્યોઃ રમેશભાઇનું મોત

રૈયાધાર ઇન્દિરાનગરના પ્રૌઢ કરંટ લાગ્યા બાદ ઝાડ પર લટકી રહ્યાઃ ફાયર બ્રિગેડની ટીમે દોરડાથી મૃતદેહ નીચે ઉતાર્યોઃ રેલ્વે કોલોની પાસેની ઘટનાથી વાઘેલા પરિવારમાં અરેરાટી

તસ્વીરમાં મૃતદેહ ઝાડવા પરથી દોરડાની મદદથી ઉતારાયો તે દ્રશ્ય, તેમનો ફાઇલ ફોટો અને ઘટના સ્થળે લોકોના ટોળા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: કાળનું તેડુ કયારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં દેવીપૂજક પરિવારના રમેશભાઇ સવજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૦) પોતાના બકરાના ચારા માટે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે રેલ્વે કોલોની નજીક આવેલા ઝાડવા પર ચડી ધારીયાથી ડાળખી કાપી રહ્યા હતાં ત્યારે ધારીયું ઉપરથી પસાર થતી ૧૧ કે.વી. વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ ઝાડમાં લટકતી હાલતમાં રહી જતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી દોરડા બાંધીને નીચે ઉતાર્યો હતો.

એક પુરૂષ ઝાડ વચ્ચે લટકતાં હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને તપાસ કરતાં વિજકરંટની ઘટના હોવાનું સામે આવ્યું હતું. મૃત્યુ પામનાર રમેશભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. તે મુળ જસદણના ગોખલાણાના વતની હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે આઠ ભાઇ અને  બે બહેનમાં વચેટ હતાં. તેઓ ઘરે બકરા પણ રાખતાં હોઇ બકરાના ચારા માટે ઝાડવાની ડાળખીઓ તોડવા ધારીયુ લઇને ઝાડ પર ચડ્યા હતાં અને ડાળખી કાપતી વખતે અજાણતા ધારીયું વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં પ્રાણ નીકળી ગયા હતાં. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)