Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

તા. ૬ એપ્રિલ : ભાજપનો સ્થાપના દિન

૧૯૫૨માં લોકસભામાં ત્રણ બેઠક મેળવનાર જનસંઘ ૧૯૬૨ સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો'તો

રાષ્ટ્ર પ્રથમ એ ભાજપ માટે માત્ર એક શબ્દ નહી પણ જીવનમંત્ર, નિષ્ઠાથી એક બીજ આજે વૈશ્વિક વિચારનું વટવૃક્ષ બન્યું છે : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : બીજમાંથી વટવૃક્ષ બનવું એટલે શું, એની કોઇ વ્યાખ્યા પૂછે તો સીધો જવાબ એ મળે કે ભારતીય જનતા પાર્ટી. આજથી ૪૨ વર્ષ પહેલાં એક વિચારબીજ, રાષ્ટ્રીય ભાવનાથી તરબતર, દેશભકિતથી છલોછલ એક વિચાર દેશભકત નેતાઓએ વાવ્યો અને આજે એ દુનિયાભરમાં ફેલાઇ ચૂકયો છે. દેશમાં વસતા લાખો કાર્યકર્તા અને વિદેશમાં વસતા હજારો હિતેચ્છુઓ માટે ૬ એપ્રિલ મહત્વનો દિવસ છે. ભાજપનો સ્થાપના દિવસ છે. કોઇ રાજકીય પક્ષ સામાજિક ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે દાયકાઓ સુધી કામ કરે અને એમાં સફળ પણ થાય. જેના માટે સત્તા તદ્દન ગૌણ, સમરસતા જ મુખ્ય એવો એક પક્ષ ફૂલેફાલે એ પક્ષના સ્થાપકોની સિદ્ઘિ છે અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને પ્રેમનું પરિણામ છે એવું ભાજપના સૌરાષ્ટ્ર-ના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત હીન ષડયંત્રો તમામ ક્ષેત્રે કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રવાદ હિન્દુ હિત-ગૌરવ અને લોકશાહીને નવું બળ-નવજીવન મળી શકયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના દ્વિતીય સરસંઘચાલક આદરણીય શ્રી ગુરુજીના સાથ અને આશીર્વાદ થી મહાન દેશભકત,પ્રખર વિદ્વાન ડો. શ્યામાપ્રસાદ મુખર્જી એ ભારતીય જનસંઘ ની સ્થાપના કરી પ. જવાહરલાલ નહેરુ ના આપખુદ,હિન્દુહિત વિરોધી,ચીન-પાકિસ્તાન તરફી ભૂલભરેલી અવિચારી, રાષ્ટ્ર વિરોધીનીતિનો વિરોધ કરી તેના આપખુદશાહી શાસન સામે મોરચો માંડ્યો.

રાજુભાઇએ ભાજપના ઇતિહાસને યાદ કરીને જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંઘ ૧૯૬૨ સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો. ઈ.સ. ૧૯૬૮માં પં. દીનદયાળજીનાં નિધન બાદ અટલ બિહારી વાજપાઈજી-અડવાણીજીએ જનસંઘની કમાન સંભાળી. રાષ્ટ્રવાદી મનન ચિંતન, સિદ્ઘાંત નિષ્ઠા, સતત સક્રિયતાથી મૂલ્યો સંકલ્પો માટે સંઘર્ષ, કુનેહ અનેઅનુભવને આધારે પક્ષ ના વ્યાપ ને સાર્વત્રિક કર્યો.દેશ ના અને લોકશાહી રક્ષણ માટે અટલજી-અડવાણીજી અને પાર્ટી કાર્યકરોએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરનાર ઇન્દિરા ગાંધીના સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થાનો પ્રચંડ વિરોધ કર્યો. પરિણામે કોંગ્રેસની કપરી હાર થઈ. મોરારજી દેસાઈ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન અને અટલ બિહારી વાજપાઈ વિદેશમંત્રી બન્યા હતા. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ભાજપ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ કરી. ૪૨ વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા,સુરાજય શાસનપદ્ઘતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી કરનાર વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે.

દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ એ દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપની પંચનિષ્ઠાઓ – સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મુલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક,અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે.

દેશની અંદર સ્થપાયેલું શાંતિ અને સુરાજયનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષનાં સુશાસનનું પરિણામ છે.૨૦૧૪માં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દેશનાં વડાપ્રધાન બન્યા એ પહેલાંનાં ભારત અને આજનાં ભારતની તુલના કરતાં આપોઆપ ખ્યાલ આવી જાય છે કે, કયા પ્રકારે કેન્દ્રમાં ભાજપ સરકાર અને ભાજપ શાસિત રાજયોએ વિકાસની હરણફાળ ભરી છે. અલબત્ત, દેશને કોંગ્રેસ દ્વારા થયેલી હાનિઓની ભરપાઈ કરવામાં પણ ભાજપ મોખરે રહ્યું છે. કોંગ્રેસનાં શાસનમાં દેશ વૈશ્વિક કક્ષાએ દરેક ક્ષેત્રમાં પાછળને પાછળ ધકેલાઈ રહ્યો હતો ત્યારે ભાજપનાં કાર્યકરોએ દેશની ધૂરા સંભાળીને વિશ્વભરમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આજે ભારત અને ભાજપ એકબીજાનો પર્યાય બની ચૂકયા છે.

રાષ્ટ્રવાદ, એક અખંડ ભારત, શ્રેષ્ઠ ભારત અને સામાજીક ભાઈચારાની વિચારધારાને કેન્દ્ર માં રાખી જમ્મુ-કાશ્મીર ૩૭૦મી કલમ દૂર કરી, રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર, મુસ્લિમ બહેનોના હિતમાં કાયદાઓ ઘડી જનસંઘ-ભાજપ ના સ્થાપકો ના સંકલ્પો અધૂરા સપનાઓ માટે આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી અને પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ ખૂબ મજબૂતાઈ અને દ્રઢ નિશ્યય સાથે અસાધારણ અભૂતપૂર્વ નિર્ણયો દેશહિતમાં લીધા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:18 pm IST)