Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના ટેસ્‍ટ માટે લોકો ઉમટી રહ્યા છે : વધુ બે સ્‍થળે ટેસ્‍ટીંગ બુથ શરૂ કરાયા

રાજકોટ : કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્‍ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્‍ટિંગ બૂથ પર સ્‍વયંભૂ ટેસ્‍ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદારીઓ પણ ટેસ્‍ટ કરવા માટે જોડાયા હતા.સવારે ૯ વાગ્‍યાથી બળબળતા તાપ વચ્‍ચે સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવીને લોકો લાંબી લાઈન લગાવીને સ્‍વયંભૂ ટેસ્‍ટિંગ માટે આવ્‍યા હતા. જયાં પ્રથમ એક કલાકમાં ૩૫ લોકો પૈકી ૧૫ લોકો પોઝિટિવ આવ્‍યા છે. આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ પ્રકારે શહેરીજનો સ્‍વયંભૂ ટેસ્‍ટિંગ માટે લાંબી કતારમાં ઉપસ્‍થિત રહ્યા હતા. જયાં ગઈકાલે ૧૨.૩૦ કલાકે ટેસ્‍ટિંગ કીટ ખાલી થઇ જતા લોકો પરેશાન થયા હતા અને તંત્રની ઉદાસનીતા જોવા મળી હતી.જયાં લોકોની સ્‍વયંભૂ ટેસ્‍ટિંગની ભીડને ધ્‍યાને રાખીને શહેરમાં ભક્‍તિનગર સર્કલ અને બાલાજી હોલ પર વધુ બે ટેસ્‍ટિંગ બુથ શરૂ કરવામાં આવ્‍યા છે. રૈયા સર્કલ અને કેકેવી હોલ ચોક ખાતે ટેસ્‍ટિંગ બુથ પર દરરોજ સવારે ૯ થી ૫ વાગ્‍યા સુધી જયારે ૨૧ આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર સવારે ૯ થી ૭.૩૦ વાગ્‍યા સુધી ટેસ્‍ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક સેન્‍ટર પર ૩૦૦ એન્‍ટિજન કીટની ફાળવણી કરવામાં આવી રહી છે. તસ્‍વીરમાં ટેસ્‍ટીંગ બુથ પર એકત્રીત થયેલી લોકોની ભીડ દર્શાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:29 pm IST)