Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

એટ્રોસીટી તેમજ છરી વડે હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. પઃ મકરસંક્રાતીના દિવસે માલવિયા નગર પોલીસ સ્‍ટેશનમાં ભારતીય દંડ સંહીતાની કલમ ૩ર૬, ૩ર૩, પ૦૪, ૧૧૪ તેમજ એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(va) તથા જી.પી. એકટ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા રાજકોટ સ્‍પેશયલ એટ્રોસીટી કોર્ટમાં રેગ્‍યુલર જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુકમા હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી આર્યનભાઇ ખીમજીભાઇ પરમાર તેમના સાળા દીલીપભાઇ મનુભાઇ ચૌહાણ તેમજ સાઢુભાઇ હીરેનભાઇ શામજીભાઇ ચંદ્રપાલ સાથે ગોકુલ નગર-૪/૬ ના ખુણે રાત્રે સાડા દસ વાગ્‍યાના અરસામાં ઉભા હતા ત્‍યારે પુનીતનગરમાં રહેતા ભાવેશ સુલતાન ટેણી તથા તેની સાથે એક અજાણ્‍યો ઇસમ મોટર સાયકલ ઉપર આવેલ હતા અને ફરીયાદીના સાઢુભાઇ હીરેનને કહેવા લાગેલ કે તું મારી પાસેથી રૂ. ૯૦૦/- લઇ ગયેલ છે તે લાવ તેમ કહી અને ગાળો દેવા લાગેલ અને હીરેનભાઇને આ બંને આરોપીઓ ઢીકાપાટુનો મુઢમાર મારવા લાગેલ અને આ બંને ઇસમોએ છરી કાઢેલ અને ભાવેશ સુલતાન ટેણીએ છરીનો ઘા હીરેનભાઇના ડાબા પગના સાથળમાં મારી દીધેલ અને અન્‍ય બીજા આરોપી દ્વારા છરીનો ઘા હીરેનને પેટમાં મારવા જતા સાથેના દીલીપભાઇએ ડાબા હાથેથી પકડી લેતા તેમને ડાબા હાથમાં ઇજા થયેલ હતી. અને આ બનાવ બનતા રાડારાડી થતા બંને આરોપીઓ મોટર સાયકલમાં નાસી છુટેલ અને હીરેનભાઇને સારવાર માટે હોસ્‍પીટલમાં લઇ ગયેલ જયાં હીરેનભાઇને ગંભીર ઘા વાગતા તેઓબેભાન હાલતમાં હતા. જે સબબની ફરીયાદ માલવિયા નગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ હતી જેમાં આરોપી ભાવેશ સુલતાન ટેણી રવજીભાઇ સરવૈયાની ધરપકડ કરી સ્‍પેશ્‍યલ એટ્રોરસીટી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

 ત્‍યારબાદ આ કામે ચાર્જશીટ થયા બાદ આરોપીઓએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટની સ્‍પેશ્‍યલ એટ્રોસીટી કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત એમ. પટગીર, પ્રહલાદસીંહ બી. ઝાલા, સાહિસ્‍તાબેન એસ. ખોખર, બલરામ એસ. પંડીત, તેમજ મીતેશ એચ. ચાનપુરા રોકાયેલ હતા.

(4:32 pm IST)