Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટમાં કોરોનાનું વિકરાળ સ્‍વરૂપ...

રાજકોટમાં RTPCR ટેસ્‍ટના મશીન હાંફયા... : ૩ હજાર પેન્‍ડીંગ

રાજકોટની ૮ લેબોરેટરીમાં ૪૮ થી ૭૨ કલાકનું વેઇટીંગ : દિનપ્રતિદિન કથળતી સ્‍થિતિ : રીપોર્ટ આવે તે પહેલા દર્દી અનેકના સંપર્કમાં આવતા હોય સંક્રમણ ફેલાવી શકે છે : RTPCRને બદલે પહેલા એન્‍ટીજન તબીબોને સલાહ

રાજકોટ તા. ૫ : છેલ્લા ૨૦ દિવસથી રાજકોટ - ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોનો જાણે રાફડો ફાટયો છે. રાજકોટની ૧૯થી વધુ ખાનગી કોવિડ હોસ્‍પિટલો દર્દીઓથી ઉભરાય ગઇ છે. તો સરકારી હોસ્‍પિટલમાં કોવિડ વિભાગ પણ હવે ગમે ત્‍યારે દર્દીઓની ફુલ થઇ જવાની શક્‍યતા છે.

રાજકોટમાં કોરોનાની બીજી લ્‍હેર ખૂબ તિવ્ર બની છે. અનેક સ્‍થળોએ ટેસ્‍ટીંગ બુથ ઉભા કરાયા છે ત્‍યારે RTPCR ટેસ્‍ટના મશીનો હાંફી ગયા છે. છેલ્લા ૨૦ દિવસથી દિવસ-રાત ચાલતા RTPCRના મશીનો દર્દીઓની સંખ્‍યા વધતા પહોંચી શકતા નથી. આજે RTPCRના ૩ હજારથી વધુ રીપોર્ટ પેન્‍ડીંગ છે.

રાજકોટની ભટ્ટ લેબોરેટરી, સંજીવની મેટ્રો પોલીમ, મંગલમ, સિવિલ હોસ્‍પિટલ, ગ્રીન સહિત ૮થી વધુ લેબોરેટરીમાં હાલ કોરોના માટેના ૪૮ થી ૭૨ કલાકનું વેઇટીંગ ચાલુ છે. કોરોનાની ગંભીર અને ચિંતાજનક સ્‍થિતિ બની રહી છે. ૪૮ થી ૭૨ કલાકનું વેઇટીંગ હોવાથી ટેસ્‍ટ કરનાર દર્દી અનેક લોકોના સંપર્કમાં આવી જતા હોય અનેકને સંક્રમિત કરતા હોવાની સ્‍થિતિ અગાઉના સ્‍ટ્રેઇન કરતા હાલનો સ્‍ટ્રેઇન ખૂબ ઝડપથી ફેલાતો હોવાની શક્‍યતા છે.

હવે કોરોના કાળમાં દર્દીઓ હવે સ્‍વાસ્‍થ્‍ય અંગે ભારે કાળજી રાખવા મંડયા છે. સહેજ લક્ષણ જણાય કે મુસાફરી કરી હોય તો સામેથી એન્‍ટીજન કોવિડ ટેસ્‍ટ કે CRP-CBC સહિતના ટેસ્‍ટ કરાવતા હોય છે. આ ટેસ્‍ટની સંખ્‍યા વધતા પેથોલોજીક લેબોરેટરી માટે પણ જે રીપોર્ટ ૨ કલાકમાં થતા હોય તે પણ હવે ૪ થી ૬ કલાકમાં થવા લાગ્‍યા છે.

રાજકોટમાં કોરોનાની સ્‍થિતિ વણસતા હવે પેથોલોજી લેબોરેટરીમાં પણ ૨૪×૭ મુજબ સતત કામ ચાલુ છે. તબીબો પણ પહેલા રીપોર્ટ કરાવવાની સલાહ આપતા હોય લેબોરેટરીમાં કામનું ભારણ વધ્‍યું છે.

RTPCR ટેસ્‍ટીંગમાં ૩ હજારથી વધુ દર્દીઓનું વેઇટીંગ હોય આ સ્‍થિતિમાં તબીબોએ હવે RTPCRને બદલે એન્‍ટીજન ટેસ્‍ટ કરાવવા સલાહ આપે છે. સામાન્‍ય રીતે જો એન્‍ટીજન પોઝિટિવ આવે તો રીપોર્ટ પોઝિટિવ ગણીને તબીબો સારવાર કરે છે. આ સંજોગોમાં જો એન્‍ટીજન રીપોર્ટ નેગેટીવ આવે અને લક્ષણો કે અસર કે શંકા હોય તો RTPCR કરાવવા સલાહ આપે છે.

રાજકોટમાં કોરોનાની સ્‍થિતિમાં ખાનગી હોસ્‍પિટલોમાં ભારે ભીડ જોવા મળે છે

(4:40 pm IST)