Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રોજ ૧૦ લાખ રસીનો લક્ષ્યાંક : ટેસ્‍ટીંગ - બેડ વધારાશે

રસીકરણનો વ્‍યાપ ચાર ગણો કરવા મુખ્‍ય સચિવની સૂચના : માસ્‍ક વિનાના સામે ઝુંબેશ : રેમેડીસીવર ઇન્‍જેક્ષનોના વેચાણ અને વપરાશ અંગે તપાસ કરાશે : કલેકટરોને કામચલાઉ ભરતીની છુટ

રાજકોટ તા. ૫ : રાજ્‍યમાં કોરોનાની પરિસ્‍થિતિ અંગે મુખ્‍ય સચિવ શ્રી અનિલ મુકીમ, આરોગ્‍ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ, આરોગ્‍ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ડી.જી.પી. આશિષ ભાટિયા વગેરેએ આજે સવારે કલેકટરો, ડી.ડી.ઓ. સાથે વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા સમીક્ષા કરી સૂચના આપેલ. કોરોના ટેસ્‍ટીંગની સંખ્‍યા વધારવા માસ્‍ક વિનાના લોકો સામે આકરી કાર્યવાહી કરવા તેમજ રસીકરણનો લક્ષ્યાંક ચાર ગણો કરવા જિલ્લા તંત્રોને સૂચના આપવામાં આવી હતી. રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૭૨ લાખ લોકોને રસી અપાઇ ગઇ છે.

રાજ્‍યમાં હાલ સરેરાશ ૨ાા થી ૩ લાખ લોકોને રસી અપાઇ રહી છે તે વધારીને ૧૦ લાખ સુધી લઇ જવા મુખ્‍યસચિવે સુચના આપેલ. કોરોના ટેસ્‍ટીંગ વધારવા ધન્‍વંતરી રથની સંખ્‍યા વધારવા પણ સૂચના અપાયેલ. વહીવટી અને તબીબી વ્‍યવસ્‍થા માટે કામચલાઉ ધોરણે જરૂરી સ્‍ટાફ વધારવા તેમણે સૂચના આપી હતી. આ અંગે કલેકટરોને ભરતીની સત્તા અપાયેલ છે. રેમેડીસીવર ઇન્‍જેક્ષનોની ખેચની વાત નિવારવા ઇન્‍જેક્ષનોના વિતરણ, વેચાણ અને વપરાશ અંગે મેડીકલ સ્‍ટોર, હોસ્‍પિટલો વગેરેમાં ખરાઇ કરવા આદેશ અપાયેલ છે. ખાનગી હોસ્‍પિટલો સાથે સંકલન કરી જરૂર મુજબ કોરોનાના બેડ વધારવા સૂચના આપવામાં આવી છે.

(4:41 pm IST)