Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગયા વખતે લોકડાઉનમાં ૩૦ થયા તેમ હવે મહામારી વચ્‍ચે પણ ૩૦ રોઝા

૧૩મીએ સાંજે ચંદ્રદર્શન સાથે ૧૪મી બુધવારથી શરૂ થનાર પવિત્ર રમઝાન માસ : મુસ્‍લિમોમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ : શરૂઆતના ૧૫ રોઝામાં નીચુ ઉષ્‍ણતામાન રહેશે પછી ઉંચુ જતા છેલ્લા ૧૫ રોઝા આકરા તાપમાં પસાર થશે : આ વખતે રોઝાના સમયગાળામાં ૧૫ મિનિટની માત્રા ઘટી : પોણા પંદર કલાકનો રોઝો : ૧૪મી એપ્રિલે પહેલો રોઝો ૧૪મી મેના ઇદુલ ફિત્ર : આ વખતે શુક્રવારના દિવસે ઇદ ઉજવાશે :ચાલુ માસ શાબાન ૩૦ દિ'નો થશે તેમ રમઝાન માસ પણ ૩૦ દિ'નો થશે

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. પ : આગામી બુધવારથી ઇસ્‍લામ ધર્મનો પવિત્ર માસ ‘રમઝાન' મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે.

આવતી તા. ૧૩-૪-ર૧ ના મંગળવારના દિવસે સાંજે ઇસ્‍લામી પંચાગના ૮મા મહીના શા'બાનની ૩૦ મી તારીખે આકાશમાં ચંદ્રદર્શન થનાર હોઇ એ સાથે જ મુસ્‍લિમ સમાજમાં ‘આધ્‍યાત્‍મિકતા' છવાઇ જશે. જેના લીધે તા. ૧૪-૪-ર૧ ના બુધવારે રમઝાન માસનો પ્રથમ રોઝો થશે.

જો કે ગત રજજબ માસનો ચંદ્ર સૌરાષ્‍ટ્રમાં કયાંય નજરે ચડયો ન હતો અને ગુજરાતમાં તેના દર્શન થયેલ એ થકી ર૯ દિવસો પુરા થયેલા પરંતુ શા'બાન માસ ૩૦ દિ'નો પુરો થશે એ નિヘીત છે. ત્‍યારે બીજી તરફ ગત વર્ષની જેમ આ વખતે પણ ૩૦ રોઝા પુરા થવાનું  નિヘીત હોઇ ફરી તા. ૧૩-પ-ર૧ ને ગુરૂવારના રોજ સાંજના ચંદ્રદર્શન થશે એ મુજબ તા. ૧૪-પ-ર૧ ને શુક્રવારના રોજ ‘ઇદલ ફિત્ર' મનાવાનો વર્તારાનો પૂર્ણ નિર્દેશ છે.

એક રીતે વિચિત્રતાએ છે કે, બુધવારે રમઝાન શરૂ થઇ ગુરૂવારે પુર્ણ થશે અને શુક્રવારે ઇદ થશે જેના લીધે ફરી એકવાર મુસ્‍લિમ સમાજના સાપ્તાહિક ઇદના દિવસ શુક્રવારે જ ઇદની ઉજવણી થશે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચે આવે છે અને રમઝાન માસ ઇસ્‍લામી પંચાગનો ૯ મો મહિનો અને પવિત્ર મહિનો છે જેમાં મુસ્‍લિમો રોઝા રાખે છે.

આ રોઝા એક ઉપવાસ જ છે જેમાં પરોઢિયે થી લઇ છેક સુરજ આથમે ત્‍યાં સુધી મુસ્‍લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્ન-જળનો ત્‍યાગ કરવામાં આવે છે.

એ ત્‍યાં સુધી કે ગળા નીચે થુક પણ ઉતારવામાં આવતુ નથી આમ નર્યો નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે એટલું જ નહીં રાત્રે પણ વધારાની સળંગ તરાવી હની નમાઝ પઢવામાં આવે છે અને એ ઉપરાંત મુસ્‍લિમો કુર્આન પઠન અને ઇબાદત કરે છે.

જેથી સર્વત્ર મુસ્‍લિમ ભાઇ-બહેનો બંદગીમય બની જતા એક આધ્‍યાત્‍મિકતાનો માહોલ બની જાય છે.

છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં જ આ વખતે રોઝા માસ આવતા આ વખતે ઉનાળો બરાબર તપી રહ્યો છે ત્‍યારે જ આકરાર તાપમાનમાં રોઝા વખતે આકરી તપસ્‍યા કરવી પડે તે નિતિ છે ત્‍યારે સામે જુન માસમાં વરસાદ પડે તેવી શકયતા ઓ વચ્‍ચે આકરા તાપ વચ્‍ચે સતત રોઝા પસાર થાય તે નિતિ છે.

આમ આકરી તપસ્‍યા પસાર કરવા અર્થાત રમઝાન માસને સત્‍કારવા મુસ્‍લિમ સમાજમાં ઉત્‍સાહ પ્રવર્તે છે. આ રમઝાન માસમાં મુસ્‍લિમ સમાજ દ્વારા દાન-પુણ્‍યના કાર્યો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત સહેરી અને સાંજે રોઝા ખોલાવવા માટે ઇફતારીના કાર્યક્રમો પણ યોજાશે.

ખાસ કરીને તમામ મસ્‍જીદોમાં સાંજે રોઝાદારો એકત્ર થશે જેના માટે ફરસાણ-ફૂટ ઠંડા પીણા આપવા માટે અત્‍યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બીજી તરફ રમઝાન માસ ઇસ્‍લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુર્આન શરીફની વર્ષગાંઠ હોઇ તેનું પઠન મસ્‍જીદોમાં વધી જશે જેના લીધે હવે મોડી રાત સુધી મસ્‍જીદો ખુલ્લી રહેશે આથી મસ્‍જીદમાં પણ રોશની કરવામાં આવશે અને શણગાર કરાશે.

આ તમામ કાર્યક્રમો વચ્‍ચે ખાસ કરીને રોઝાનું જે આ મહિનામાં વધુ મહત્‍વ છે અને તે તમામ મુસ્‍લિમ ભાઇ-બહેનો ઉપર ઇસ્‍લામ ધર્મમાં રોઝા રાખવા ફરજ છે.

જો કે બુધવારે પ્રથમ રોઝો રહેશે ત્‍યારે એ પૂર્વે મંગળવાર તા. ૧૩ના સાંજે ચંદ્રદર્શન થનાર હોય એ રાત્રીથી જ વધારાની નમાઝ ‘તરાવીહની નમાઝ' મસ્‍જીદોમા શરૂ થઈ જશે.

ત્રણ વર્ષ સુધી સતત ૨૯ રોઝા થયા હતા જે પરંપરા ગયા વર્ષે લોકડાઉન ટાણે તૂટી હતી અને ૩૦ રોઝા પુરા થયા હતા. આમ આ વખતે પણ મહામારીકાળ વચ્‍ચે પણ આ ક્રમ જળવાઈ રહેશે અને ૩૦ રોઝા પુરા થશે એ સ્‍પષ્‍ટ છે.

જો કે આ વખતે રોઝાના સમયગાળાની માત્રા ઘટી છે. ગયા વર્ષથી ૧પ મીનીટ ઓછી નો ફરક પડતા પોણા પંદર કલાકનો રોઝો રહેશે. પ્રારંભમાં ૧૪ કલાક ૬ મીનીટનાં રોઝો હશે જે વધીને ૧૪ કલાક ૪૩ મીનીટનો થઇ જશે.

જયારે સમય પત્રકમાં આ વખતે પણ પરોઢિયે સહેરીજનો સમય દરરોજ નીચે ઉતરતો જશે અને સહેરીનો સમય વ્‍હેલો થતો જશે અને આખા માસમાં રપ મીનીટનો ફરક પડશે એકંદરે દરરોજ એક મીનીટ ઘટશે.

ખાસ કરીને રોઝા રાખનારાઓને શરૂઆતમાં રોઝાનો ગાળો ટૂંકો હોય સરળતા રહેશે પણ ૧પ માં રોઝાથી ગાળો વધશે પરંતુ ત્‍યાં સુધી ૧પ રોઝા પુરા થઇ ગયા હશે બીજી તરફ છેલ્લા ૧પ દી'થી ઉનાળો પોતાનો મિજાજ દેખાડી રહ્યો છે અને ઉનાળો તપે ત્‍યાં જ તેની સાથે રમઝાન માસ શરૂ થશે પણ તેના ૧પ દી' પછી આકરો તાપ વરસે ત્‍યારે ૧પ રોઝા પણ પુરા થયા હશે આથી આ વખતે ૧પ રોઝા નીચા ઉષ્‍ણતામાન વચ્‍ચે અને છેલ્લા ૧પ રોઝા આકરા તાપ વચ્‍ચે પસાર થવાની પુર્ણ સંભાવના છે.

એ જ રીતે ઇફતારનો સમય વધતો જશે અને એ રીતે રોઝાનો સમયગાળો લંબાતો રહેશે અને ઇફતાર માટે આખા માસમાં ૧ર મીનીટનો ફરક પડશે જો કે આ વખતે રોઝાના સમયગાળાની માત્રા ઘટી છે અને પ્રારંભમાં ૧૪ કલાકનો રોઝો છેલ્લે પોણા પંદર કલાકનો થઇ જશે.

આમ આકરો તાપ અને રોઝાનો સમયગાળો પણ વધુ હશે તેમાં ૧પ રોઝા પસાર થશે.

સમય પત્રક મુજબ રોઝાનો સમય પરોઢિયે પ.૦૬ ના શરૂ થશે અને તેને સહેરી કહેવાય છે તેનો સમય દરરોજ બદલતો રહેશે અને તે નીચ ક્રમશઃ ઉતરતો જશે જેથી યાદ રાખી શકાશે. અને છેલ્લે ૪/૪૧ વાગ્‍યે રોઝો શરૂ થશે.

જયારે સાંજે પ્રથમ રોઝો ૭-૧ર ના પૂર્ણ થશે અને તે પણ ક્રમશઃ દરરોજ વધતો રહેશે એટલે યાદ રાખી શકાશે. અને છેલ્લે ૭.ર૪ ના રોઝો સાંજે પૂર્ણ થશે. આમ સમયપત્રક સહેલો રહેશે યાદ રાખી શકાશે.

આ વર્ષે પણ ચાર શુક્રવાર જ રહેશે પણ પાંચમાં શુક્રવારે સીધી ઇદ થઇ જશે.

રમઝાન માસમાં પાંચ રાત્રીનું મહત્‍વ વધારે છે. જેમાં ર૧મી રાત્રી તા. ૩-પ-૦ર૧ સોમવાર ર૩મી રાત્રી તા. પ-પ-ર૦ર૧ બુધવાર, રપમી રાત્રી તા. ૭-પ-ર૦ર૧ શુક્રવાર, ર૭મી રાત્રી તા. ર૬-પ-ર૦ર૧ રવિવાર અને ર૯ મી રાત્રી તા. ૧૧-પ-ર૦ર૧ મંગળવારના રોજ મનાવવામાં આવશે.

આ વખતે ર૭મો રોઝો જે ‘હરણી રોઝા' તરીકે ઓળખાય છે અને તે અનેક હિન્‍દુ ભાઇ-બહેનો પણ રાખે છે તે તા. ૧૯-પ-ર૧ ના સોમવારે રહેશે.

જો કે દર વર્ષે રમઝાન માસમાં મહત્‍વના દિવસો, મહત્‍વના રોઝા કે મહત્‍વની રાત્રીઓ કે તારીખ વારના અનેરા સંયોગો સર્જાય છે તે આ વખતે એક પણ આવો સંયોગ સર્જાયો નથી અને માત્ર બુધવારે રોઝા શરૂ થઇ, ગુરૂવારે પુરા થઇ શુક્રવારે ઇદ  ઉજવવાનો માત્ર એક ક્રમ સજોયો છે ત્‍યારે સૌથી મોટો સંયોગ એ કે, આ વખતે શુક્રવારે ઇદ ઉજવણી થશે અને ૧૪મી એપ્રિલના રોઝા શરૂ થઇ ૧૪મી મેના ઇદ થઇ જશે.

ગયા વખતની જેમ આ વર્ષ પણ રજજબ માસના ચંદ્રદર્શનની વિચિત્રતા સર્જાઇ !!

રાજકોટ તા. પ : અગાઉ બે વર્ષ ઉપરા ઉપરી શાંબાન માસ ૩૦ દિ'નો પુરો થયેલ અને ગત વર્ષ ર૦ર૦માં રજજબ માસના ર૯મા દિવસે આકાશમાં વાદળો છવાઇ જતા રજજબ માસ ૩૦ દિ'નો પુરો થયેલ ત્‍યારે બે દિ' વાદળા રહેતા કયાંય ચંદ્રદર્શન થયેલ કે નહિ તે કયાંય કોઇ જાણી શકયુ ન હતું અને શાબાન માસ પછી ર૯ દિ'નો થયેલ પરંતુ આ વખતે ર૦ર૧માં ગત મહીને રજજબ માસના ર૯માં દિ'ને આકાશ સ્‍વચ્‍છ હોવા છતા ભારતભરમાં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાયો પણ અંતે ર૯ દિ'જ નિયત કરવામાં આવેલ આમ આ વખતે શાબાન ગત વર્ષની જેમ ર૯ નહી પણ ૩૦ દિ'નો થશે પરંતુ ગત વર્ષથી જેમ આ વખતે પણ રજજબ માસના ચંદ્રદર્શનની વિચિત્રતા સર્જાઇએ નિઃશંક છે.

રોઝાના પ્રસિધ્‍ધ થતાં સમય પત્રકો આ વખતે સર્વત્ર એક જ સરખા છપાયા છે

રાજકોટ તા. પ : દર વર્ષે રમઝાન માસ દરમિયાન રોઝા રાખનારા લોકોએ ચોકકસ સમય યાદ રાખવો પડે નહી. તે માટે વિવિધ સંસ્‍થાઓ દ્વારા સમયપત્રક રંગબેરંગી પ્રસિધ્‍ધ કરી વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવે છે. આ કાર્યવાહી રમઝાન માસના કેટલાય દી' પહેલાં થઇ જાય છે ત્‍યારે તેમાં ચંદ્ર દર્શનના લીધે અનેક વખત અમૂક સમયપત્રકો નિરર્થક બની જાય છે અને તેમાં રોઝાનો કમ ફરી જાય છે. જયારે આ વખતે ખૂબી એ છે કે, પૂર્વ પ્રસિધ્‍ધ થયેલા સમયપત્રકો સર્વત્ર સાચા ઠરનાર હોય તેમ એક જ સરખા પ્રસિધ્‍ધ થયા છે.

(4:51 pm IST)