Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

યુ.કે.ની કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ઓનલાઇન ૩ લાખ જમા કરાવી લીધા

હેન્‍ડી ક્રાફટનો ઓનલાઇન વેપાર કરનારા વેપારી હિરેનભાઇ વિરોજાની સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. પઃ શહેરમાં ઓનલાઇન વેપાર કરનાર વેપારી ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે ત્‍યારે યુ.કે.ની કંપનીનો કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ગઠીયાએ ઓનલાઇન ૩ લાખ જમા કરાવી હેન્‍ડી ક્રાફટના વેપારી સાથે છેતરપીંડી આચર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સહકાર રોડ પર ન્‍યુ ખોડીયાર સોસાયટી શેરી નં. પ માં રહેતા અને ઓનલાઇન હેન્‍ડી ક્રાફટનો વેપાર કરતા વેપારી હિરેનભાઇ મગનભાઇ વિરોજા (ઉ.વ. ૩પ) એ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે છેલ્લા ત્રણ વર્ષથી હેન્‍ડીક્રાફટ વસ્‍તુઓ ઓનલાઇન વેચાણ કરે છે. ગત તા. ૧૧/૪ના રોજ પોતાના ઘરે બેસીને ઓનલાઇન વેપાર કરતા હતા ત્‍યારે પોતાના મોબાઇલ ફોનમાં ટેલીગ્રામ એપ મારફતે એક વોટસએપ મેસેજ આવ્‍યો હતો. જેમાં સામેવાળી વ્‍યકિતએ પોતાનું નામ એરીક ફેલીકસ હોવાનું અને તે સેન્‍ટ્રીક ફાર્માસ્‍યુટીકલ લિમીટેડ યુ.કે.માં નોકરી કરતો હોવાનું જણાવ્‍યું હતું. અને પોતાની કંપનીને રો મટીરીયલની જરૂરીયાત હોવાની વાત કરી હતી જેથી પોતે કંપનીનું નામ અને તમામ માહીતી મંગાવી હતી. તેણે ઇમેલ કરી આ તમામ વિગતો મોકલી હતી. બાદમાં આ શખ્‍સે મેસેજ કરીને કહ્યું હતું. કે તેમને બુટીયા લિકિવડ એક્ષ ટ્રેકની જરૂર છે. તેમ કહી આસામના ગુવાહાટીની અંશ એન્‍ટરપ્રાઇઝનું ઇ-મેઇલ આઇડી મોકલ્‍યું હતું. તેમજ આ કંપનીના માલીક પી. નારાયણ હોવાનું જણાવ્‍યું હતું. ત્‍યારબાદ ગત તા. ૧૩/૪ના રોજ અંશ એન્‍ટરપ્રાઇઝના ઇમેલ આઇડીમાંથી બુટીયા લિકવીટ એકસપ્રેસનું ફરિયાદીએ સેમ્‍પલ મંગાવ્‍યું હતું. અને આ સેમ્‍પલ કુરીયર મારફત બે-ત્રણ દિવસમાં આવી જશે તેમ જણાવ્‍યું હતું. તેથી પોતે બેંક ઓફ બરોડાના એકાઉન્‍ટમાં આરટીજીએસ મારફતે રૂા. ૩ લાખ જમા કર્યા હતા. પરંતુ આજદીન સુધી પોતાને સેમ્‍પલ ન મળતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે ક્રિસ્‍ટોફર એન્‍ડોવર બાકર અને આર્થર વિલિયમ્‍સ, પી. નારાયણ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઇન્‍ચાર્જ પી.આઇ. બી. પી. મેઘલાતરે તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)