Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

છૂટ નથી છતાં ખુલ્લા રાખ્યા'તાઃ ત્રણ સ્પાના સંચાલકો સામે ગુનો નોંધાયો

ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલોની ૧૦ ટીમોએ ૩૦ સ્પામાં તપાસ કરીઃ જીમ સંચાલકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ

રાજકોટ તા. ૫: કોરોના મહામારીમાં સરકારે નવી માર્ગદર્શિકા મુજબ ઘણી છુટછાટો આપી છે. જેમાં સ્પાને ખોલવાની હજુ મંજુરી આપવામાં આવી નથી. આમ છતાં રાજકોટમાં ઘણા સ્પા ખોલી નાંખવામાં આવ્યાની માહિતી મળતાં રવિવારે શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પેરોલ ફરલો સ્કવોડની ૧૦ ટીમોએ ઓચીંતા જ ૩૦ જેટલા સ્પામાં દરોડો પાડ્યા હતાં. મોટા ભાગના સ્પામાંથી કઇ વાંધાજનક મળ્યું નહોતું. પરંતુ ત્રણ સ્પા ખુલ્લા રખાયા હોઇ માલિક-સંચાલકો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરમાં અલગ-અલગ જગ્યાએ આવેલા સ્પાના સંચાલકો-માલિકો સરકારની માર્ગદર્શીકા મુજબ સ્પા ચાલુ કરવાની છૂટ અપાઇ નથી તેમ છતા આર્થીક લાભ માટે બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતી મળતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં ૧૦ ટીમોએ ત્રીસ જેટલા સ્પામાં દરોડા પાડ્યા હતાં. તે પૈકી ત્રણ સ્પા જેમાં 'સુગર સ્પા' ૧૫૦ ફુટ રીંગ રોડ બીગબાઝાર અંદર ઇસ્કોન મોલ શોપ નં.૧૧૧, 'પરપલ ઓર્ચીડ સ્પા'  ૧૫૦ ફુટ રીંગ રોડ બીગબાઝાર અંદર ઇસ્કોન મોલ શોપ નં.૧૦૧ તથા 'આત્મીઝ સ્પા' જલારામ ચીકી ઉપર પ્રસિધ્ધ કોમ્પ્લેક્ષ બીજો, માળ ઇન્દીરા સર્કલ ખુલ્લા મળી આવતાં તેના સંચાલક /માલીક પલ્લવીબેન મહેન્દ્રભાઇ મેર, હાર્દીક ગૌતમભાઇ સોંદરવા, રાજેશભાઇ મોતીસીંગ પરીહાર તથા અશોકકુમાર ધરીજલાલ વાઘેલા સામે જાહેરનામા ભંગના ગુના નોંધી ધરપકડની તજવીજ કરવામાં આવી હતી.

શહેરની જનતાએ પણ કોરોના સંદર્ભની સરકારની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવા અને જીમ સંચાલકોને પણ નિયમોમાં બેદરકારી ન દાખવવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે.

(3:14 pm IST)