Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભીચરીની જીવુબેન સોલંકીનું એસિડથી મોતઃ પેટમાં જૂડવા બાળક હતાં: પતિ કહે છે કલેશને લીધે પીધું, ભાઇ-ભાભી કહે છે-પીવડાવી દેવાયું

મુળ મેંદરડાના અંબાળાનો વસંત સોલંકી પત્નિ-પુત્રી સાથે કેટલાક સમયથી રાજકોટના ભીચરી ગામે રહે છેઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ બનાવથી માસુમ દિકરો મા વિહોણો થયો : પતિએ મરવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૫: કુવાડવા તાબેના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન વસંત સોલંકી (કોળી) (ઉ.વ.૩૨) ગઇકાલે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ રાતે દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં કલેશ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું. બીજી તરફ જીવુબેનના ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે તેણીને પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે. કરૂણતા એ છે કે મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાન ઉછરી રહ્યા હતાં. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, તેમજ પતિ વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ રવિવારે સવારે અગિયારેક વાગ્યે ભીચરીમાં જીવુબેન વસંત સોલંકી એસિડ પી જતાં સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. તેણીના ભાઇ-ભાભી ઉનાના જરગલી ગામે રહે છે. ભાઇ ભરતભાઇ કાનાભાઇ શિયાળ અને ભાભી સહિતના સ્વજનો બનાવની જાણ થતાં રાજકોટ દોડી આવ્યા હતાં.

મૃતકનો પતિ વસંત નરસીભાઇ સોલંકી મુળ મેંદરડાના અંબાળા ગામનો છે. કેટલાક સમયથી ભીચરી ગામે રહી છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે પૈસા બાબતે પત્નિ વસંત સાથે ઝઘડો થતાં તેણીને માઠુ લાગી જતાં તે એસિડ પી ગઇ હતી. જો કે મૃતકના ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે અમારી બહેન જીવુને પતિ અને સસરાનો સતત ત્રાસ હતો. પતિ નાની નાની વાતે વારંવાર ઝઘડા કરતો હતો. ગઇકાલે પણ તેણે અમને ફોન કરીને કહ્યું હતું કે તમારી બહેનને તેડી જાવ નહિતર પુરી થઇ જશે.  અમારી બહેન આપઘાત કરે તેવી હતી જ નહિ, તેણીને પરાણે એસિડ પાઇ દેવામાં આવ્યું હશે.

ભરતભાઇએ એમ પણ કહ્યું હતું કે હાલમાં અમારી બહેન જીવુબેનને સારા દિવસો જઇ રહ્યા હતાં. સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભમાં બે બાળક ઉછરી રહ્યાનું જણાવાયું હતું. આમ જીવુબેનના મોત સાથે ગર્ભમાં ઉછરી રહેલા જૂડવા સંતાનના પણ મોત થયા છે.

આક્ષેપો અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તુર્ત પતિ વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરા વધુ તપાસ કરે છે.

(12:11 pm IST)