Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

દાગીના - રોકડ લૂંટી લેવા કોળી વૃધ્ધને શરીર સુખની લાલચમાં ફસાવ્યા બાદમાં ટોળકી સાથે મળી પતાવી દિધા

જસદણના દેવપરાના વૃધ્ધ વૈદ માવજીભાઇ કોળીની હત્યાનો ભેદ ઉકેલતી રૂરલ એલ.સી.બી. : મુખ્ય સૂત્રધાર બે મહિલા સહિત ૭ની ધરપકડ : રાજકોટની પૂજા ઉર્ફે પુજલીએ રાજલ અને તેના પતિના સાગ્રીતો સાથે પૂર્વયોજીત કાવત્રુ રચી કોળી વૃધ્ધનું ઢીમ ઢાળી દીધું : એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમને સફળતા : રાજલ ઉર્ફે રાજીના પતિ હિતેશ ડોડીયા રાજકોટમાં અગાઉ હનીટ્રેપમાં પકડાયો હતો

રૂરલ એલ.સી.બી. શ્રી બલરામ મીણા, એલ.સી.બી.ના પી.આઇ. એ.આર.ગોહિલ, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એચ.એમ.રાણા સ્ટાફ સાથે અને નીચેની તસ્વીરમાં આરોપીઓ બે મહિલા સહિત સાત શખ્સો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : જસદણના દેવપરાના કોળી વૃધ્ધની હત્યાનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખી મુખ્ય સૂત્રધાર રાજકોટની બે મહિલા સહિત સાત શખ્સોને દબોચી લીધા હતા. રોકડ અને દાગીના લૂંટી લેવાના ઇરાદાથી કોળી વૃધ્ધને શરીર સુખની લાલચમાં ફસાવી બાદમાં બંને મહિલાઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી સાગ્રીતો સાથે મળી કોળી વૃધ્ધનું ઢિમ ઢાળી દીધું હતું.

આ અંગે રૂરલ એસ.પી. કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગત તા. ૩૦-૬ના રોજ મોડીરાત્રીના જસદણના દેવપરા ગામે વાડીના રહેણાંક મકાનમાં રહેતા અને દાઝેલા લોકોને મલમ

આપતા વૃધ્ધ માવજીભાઇ મેરામભાઇ વાસાણી (કોળી)ની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ, એસઓજીના પી.એસ.આઇ. એચ.એમ. રાણા તથા રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ.કોલાદરાની અલગ-અલગ ત્રણ ટીમો બનાવાઇ હતી.

દરમ્યિાન વાડીના મકાનમાં એકલા રહેતા કોળી વૃધ્ધની હત્યામાં સ્ત્રી પાત્ર હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને પોલીસની શંકા સાચી ઠરી હતી. કોળી વૃધ્ધની હત્યાના મુખ્ય સૂત્રધાર પુજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી દેવીપૂજક રે. ધોળી ગામ તા. ધોળકા તથા રાજલબેન ઉર્ફે રાજીબેન હિતેશભાઇ ડોડીયા રે. હાલ પુનીતનગર શેરી નં. ૧૧ રાજકોટ રે. મૂળ આડોહિ તા. ભચાઉ તેમજ તેના સાગ્રીતો રાજલના પતિ હિતેશ ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઇ ડોડીયા, આનંદસીંગ સાયરકુમાર કોટવાલ, વિકાસ મદનલાલ સ્વામી, નિતેષ મહેશભાઇ જાંગીડ તથા સંદિપ જગદીશભાઇ પ્રસનીયા રે. ચારેય હરડીયા ગામ તા. ખેતડી (રાજસ્થાન)ને રોકડા રૂ. ૧.૬૭ લાખ, સોનાના દાગીના કિં. ૯૨,૦૦૦, ચાંદીના દાગીના કિં. ૨.૩૫ લાખ, મોબાઇલ ફોન નં. ૮, રાઉટર, એક રીક્ષા, એકસેસ બાકી તથા હત્યામાં વપરાયેલ હથિયાર મળી કુલ ૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

એસ.પી. બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં રહેતી પુજા ઉર્ફે પુજલી સોલંકી તેની સાગ્રીત રાજલબેન દાઝી ગઇ છે તેમ કહીને સાથે મૃતક કોળી વૈદ્ય પાસે મલમ લેવા ગયા હતા. ત્યારબાદ પુજા અને રાજલ અવાર-નવાર દેવપરા ગામે કોળી વૈદ્ય પાસે મલમ લેવા જતા હોય ગાઢ પરિચય થઇ જતા પુજા ઉર્ફે પુજલીએ વાડીમાં એકલા રહેતા કોળી વૈદ્ય માવજીભાઇને શરીર સુખ આપી ફસાવ્યા હતા. એ દરમિયાન પુજા ઉર્ફે પુજલીએ કોળી વૈદ્ય પાસે રહેલ રોકડા અને દર દાગીના અંગે માહિતી મેળવી લીધી હતી અને બાદમાં પુજા ઉર્ફે પૂજલીએ રાજલ સાથે મળી વૃધ્ધને લુંટી લેવાનો પ્લાન ઘડયો હતો. આ કાવત્રામાં રાજલે તેના પતિ તથા અન્ય સાગ્રીતોને સામેલ કર્યા હતા. બનાવના દિવસે પુજા ઉર્ફે પુજલી, રાજલ તથા અમીતસીંગ જરીયા (રે. રાજસ્થાન) કે જેને પકડવાનો બાકી છે આ ત્રણેય રાત્રે ૮.૩૦ વાગ્યે કોળી વૈદ્ય માવજીભાઇની વાડીએ રેકી કરવા ગયા હતા અને કોળી વૃધ્ધ માવજીભાઇ વાડીએ એકલા હોવાનું જાણી રાત્રે ૧૨ વાગ્યે વૈદ્ય માવજીભાઇના ઘરમાં ઘુસી ગયા હતા. વૈદ્ય માવજીભાઇને ખાટલામાં સૂતા હોય આઠેય શખ્સોએ તેના હાથ-પગ બાંધી દિધા હતા અને બાદમાં મ્હોમાં ડૂચો મારી ગુંગળાવી પતાવી દિધા હતા અને ઘરમાં પડેલ રોકડ, દાગીના તથા મોબાઇલ લુંટી નાસી ગયા હતા.

પકડાયેલ હિતેશ સામે ગાંધીધામ, અંજાર તથા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારામારી સહિતના ગુન્હાો નોંધાયા છે. જ્યારે રાજલ ઉર્ફે રાજુબેન હિતેશભાઇ ડોડીયા સામે ગાંધીધામ તથા અંજાર પોલીસ મથકમાં મારામારી સહિતના ગુન્હાઓ નોંધાયો છે તેમજ હિતેષના રાજસ્થાન સ્થિત સાગ્રીતો સામે વાહન ચોરી, મારામારી તથા એટ્રોસીટીના ગુન્હાઓ નોંધાયા છે.

આ કામગીરીમાં રૂરલ એસ.પી. શ્રી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. એ.આર.ગોહિલ, એસઓજીની ટીમના પીએસઆઇ એચ.એમ.રાણા, જી.જે.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના પીએસઆઇ વી.એમ.કોલાદરા તેમજ સ્ટાફમાં એલસીબીના હેડ કોન્સ. મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, અમિતસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, કોન્સ. નારણભાઇ પંપાણીયા, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, કૌશિકભાઇ જોષી, રૂપકભાઇ બોહરા, પ્રકાશભાઇ પરમાર, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રણયકુમાર સાવરીયા, નૈમિષભાઇ મહેતા, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા તથા એ.એસ.આઇ. અમુભાઇ વીરડા તથા પો.કોન્સ. નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ નટવરસિંહ, વિજયભાઇ નાગજીભાઇ, હેડ કોન્સ. અતુલભાઇ નટવરલાલ, સંજયભાઇ ભગવાનદાસ, અમિતભાઇ અશોકભાઇ, હિતેશભાઇ અંબારામભાઇ, જયવીરસિંહ ચંદુભા, ધર્મેન્દ્રભાઇ વરજાંગભાઇ તથા પો.કોન્સ. રણજીતભાઇ મેરામભાઇ, વિજયગીરી રસીકગીરી, નીરાલીબેન વેકરીયા તથા ડ્રા.પો.કોન્સ. જયપાલસિંહ ઝાલા, દિલીપસિંહ ચંદુભા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના એ.એસ.આઇ. કરશનભાઇ કલોતરા, હેડ કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાધલ, મહેન્દ્રસિંહ સોલંકી તથા કોન્સ. વિરમભાઇ સમેચા દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ માંડાડુંગર પાસે રહેતી પૂજા ઉર્ફે પુજલી અને પુનીતનગરની રાજલ ઉર્ફે રાજીએ પ્લાન ઘડયો'તો

દેવપરા ગામના વૃધ્ધ વૈદ્ય હત્યા અને ધાડના બનાવમાં રાજકોટ આજી ડેમ માંડાડુંગરમાં રહેતી પૂજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી પુનીતનગરની રાજલ ઉર્ફે રાજી હિતેશ ડોડીયા અવારનવાર ભોગ બનનાર વૈદ્ય માવજીભાઇ પાસે, સારવાર લેવા માટે જતી હતી અને વૈદ એકલા રહેતા હોવાનું જાણીને પ્લાન ઘડયો હતો.

બે મહિલા સહિત ત્રણ શખ્સોએ  રીક્ષામાં વૈદ્યના ઘર પાસે રેંકી કરી'તી

દેવપરાના વૃધ્ધ વૈદ્યની હત્યા અને ધાડના બનાવમાં બનાવના ચાર કલાક પહેલા રાજલ ઉર્ફે રાજી ડોડીયા અને પુજા ઉર્ફે પુજલી સોલંકી તથા રાજસ્થાનના અમીતસીંગ જરીયાએ રીક્ષામાં આવી વૈદ્યના ઘર પાસે રેંકી કરી હતી ત્યારબાદ રાજલે તેના પતિ હિતેશ ધીરજલાલ ઉર્ફે ધીરૂ ડોડીયા (રહે. કચ્છના અંજાર છાત્રાલય પાસે)ને ફોન કરી જાણ કરતા આઠેય શખ્સોએ વૃધ્ધ વૈદની હત્યા કરી રોકડ અને ઘરેણા લૂંટી લીધા હતાં.

(3:11 pm IST)