Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

વૃક્ષારોપણના ટેન્ડરો પ્રસિધ્ધ : વૃક્ષ દિઠ ઉછેર અને વાવણીના જુદા - જુદા ભાવ

વૃક્ષની વાવણી અને તેનો ઉછેર કરવાનો ભાવ તેમજ માત્ર વૃક્ષની વાવણીનો ભાવ આપવા સંસ્થાઓ માટે ટેન્ડરો : મ.ન.પા. લોકેશન આપે તે જ સ્થળે વૃક્ષની વાવણી થશે : ભવિષ્યમાં આડેધડ વૃક્ષારોપણ ન થાય તે માટે ખાસ કેન્ટ્રોલ રૂમ શરૂ થશે : વૃક્ષારોપણની નવી નીતિ જાહેર કરતા મેયર પ્રદિપ ડવ

રાજકોટ તા. ૫ : આ વર્ષ ચોમાસામાં હકિકતે વૃક્ષારોપણનો હેતુ સાકાર થાય તે માટે મેયર પ્રદિપ ડવે કટીબધ્ધતાં વ્યકત કરી છે. અને આ માટે મેયરશ્રીએ આ વર્ષે વૃક્ષારોપણની નવી નીતિ અપનાવવા સુચનો કર્યા હતા.

જે અનુસંધાને હવે ટ્રી-ગાર્ડ ખરીદીનાં અગાઉના ટેન્ડરો રદ કરી વૃક્ષરોપણ કરતી સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવા માટે નવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાનું મેયરશ્રીએ આજે જાહેર કર્યું હતું.

આ અંગે મેયર પ્રદિપ ડવે વિસ્તૃત માહીતી આપતાં જણાવેલ કે દર વર્ષ વૃક્ષારોપણ માટે લાખો કરોડોનાં ખર્ચે ટ્રી-ગાર્ડ ખરીદવામાં આવે છે. અને તેનું વિતરણ થાય છે પરંતુ તેની સામે વૃક્ષરોપણ અને તેનાં ઉછેરની સંખ્યા નિરાશાજનક રહે છે. અને તંત્રએ કરેલો ખર્ચ એળે જઇ રહ્યાની ફરીયાદો ઉઠે છે. આથી આ વખતે આડેધડ ટ્રી-ગાર્ડ ખરીદવાને બદલે ટ્રી-ગાર્ડનું આડેધડ વિતરણ કરવાને બદલે જે લોકો વૃક્ષ ઉછેરવાની જવાબદારી લ્યે તેને જ ટ્રી-ગાર્ડ આપવા તેમજ જાહેર રસ્તાઓ મેદાન, બગીચા વગેરે સ્થળોએ વૃક્ષારોપણ કરવા માટે સામાજીક કે સ્વૈચ્છીક સંસ્થાઓને જ કોન્ટ્રાકટ આપી દેવા નિર્ણય લેવાયો છે. સંસ્થાઓ પોતાનાં જ ખર્ચે જ ટ્રી-ગાર્ડ સાથે તંત્રએ દર્શાવેલા સ્થળે વૃક્ષારોપણ કરી દેવું એ શરતે જ કોન્ટ્રાકટ અપાશે. આમ હવે ઉકત નવી નીીત મુજબ સસ્તા ટ્રી-ગાર્ડ ખરીદવા તેમજ સંસ્થાઓને કોન્ટ્રાકટ માટે નવી ટેન્ડર ડીઝાઇન તૈયાર કરી આ નવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે.

મેયરશ્રીનાં જણાવ્યા મુજબ સંસ્થાઓને ટ્રી-ગાર્ડ, ખાતર-પાણી વગેરે સાથે ૧ વૃક્ષ ઉછેરવા માટે જે સંસ્થા ઓછો ભાવ રજુ કરશે તેને કોન્ટ્રાકટ અપાશે.

આ ઉપરાંત નવા ટેન્ડરમાં એવી પણ જોગવાઇ રાખવામાં આવી છે કે માત્ર ખાડો ખોદી પીંજરા સાથે વૃક્ષની વાવણી કરી દેવી બાકીની ઉછેરવાની જવાબદારી. તંત્ર અથવા જે વ્યકિત વૃક્ષારોપણ કરાવે તેની રહે. આ પધ્ધતિ માટે પણ અલગથી ભાવો મંગાવાયા છે.

મેયરશ્રીએ આ તકે સ્પષ્ટ કર્યું હતું. વૃક્ષારોપણની જગ્યા મ.ન.પા. દ્વારા નક્કી થશે. જેથી ભવિષ્યમાં વૃક્ષ મોટું થાય તો કયાંય નડતરરૂપ ન થાય અને કાપવું ન પડે અને આ માટે મ.ન.પા. દ્વારા ટુંક સમયમાં ખાસ કન્ટ્રોલરૂમ પણ શરૂ કરાશે. જેમાં કેટલા વૃક્ષોની વાવણી થઇ ? કેટલાનો ઉછેર થઇ રહ્યો છે ? તેમજ યોગ્ય સ્થળે વૃક્ષની વાવણી થઇ છે કે કેમ ? વગેરે બાબતો પર નજર રાખવામાં આવશે.

(3:13 pm IST)