Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

મોબાઇલમાં વાત કરવામાં મશગુલ હરિલાલ બિલ્ડીંગના બીજા માળેથી પટકાતા મોત

કાલાવડ રોડ 'ધ હીલ રેસીડેન્સી'માં બનાવ : થોડા દિવસ પહેલા જ ફર્નિચર કામ કરવા માટે આવ્યો'તો

રાજકોટ,તા. ૫: કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલ 'ધ હીલ રેસીડેન્સી'નામના બીલ્ડીંગના બીજા માળે રવેશમાં મોબાઇલમાં વાત કરવામાં મશગુલ યુપીનો યુવાન પટકાતા તેનુ મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ઉત્તર પ્રદેશનો વતની હાલ રાજકોટ કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલા 'ધ હીલ રેસીડન્સી'માં થોડા દિવસ પહેલા જ ફર્નિચર કામ કરવા માટે આવેલા હરીલાલ બીરહનલાલ શર્મા (ઉવ.૨૬) ગઇ કાલે બીલ્ડીંગમાં બીજા માળે હતો. ત્યારે તેના મોબાઇલમાં ફોન આવતા હીરલાલ મોબાઇલ ફોનમાં વાત કરતા કરતા રવેશમાંથી નીચે પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા બીલ્ડીંગમાં રહેતા બીજા મજૂરો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી દિનેશભાઇ ધોયલાએ તપાસ કરતા તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ અજયસિંહ ચુડાસમા તથા રાઇટર રાકેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(3:16 pm IST)