Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

અઢી વર્ષમાં બે કરોડના નશાકારક પદાર્થના ૫૦ ગુનામાં ૧૧૦ આરોપી પકડી લેવાયાઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

૧૪ થી ૨૪ વર્ષના છાત્ર સમુહને પ્રાથમિકતા આપી ભ્રામકતાથી દૂર રહેવા સમજાવવા માટે સેમીનાર યોજાય છેઃ અત્યાર સુધીમાં આવી ૧૦૦ જેટલી શાળા-કોલેજોમાં સેમિનારો યોજી ૧ લાખ છાત્રો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યોઃ પીઆઇટી-એનડીપીએસ હેઠળ૮ને જેલમાં ધકેલી દેવાયા : એનડીપીએસના કેસોમાં રાજકોટ પોલીસે કરેલી કામગીરીની ડીજીપીએ પ્રસંશા કરી

રાજકોટ તા. ૫: ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ એટલે કે અઢી વર્ષના ગાળામાં રાજકોટ શહેર પોલીસે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ એનડીપીએસના કુલ ૫૦ ગુના શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ૧૧૦ આરોપીઓને પકડી લઇ તેની પાસેથી કુલ રૂ. ૧,૯૮,૭૪,૧૮૦નો નશાકારક પદાર્થ કબ્જે થયો છે. જેમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. સહિતના નશાકારક પદાર્થો સામેલ થાય છે.

નશાકારક પદાર્થોનું વેંચાણ અને હેરફેર અટકે એ માટે રાજકોટ પોલીસે સતત પ્રયાસો કર્યા છે અને તેમાં સફળતા પણ મેળવી છે. આજના સમયમાં દેખાદેખીમાં કે પછી બીજા કારણોસર યુવાધન નશીલા પદાર્થોનું સેવન કરવા તરફ દોરવાઇ જાય છે અને પરિવારજનોને આર્થિક પાયમાલીમાં ધકેલવાની સાથે સાથે પોતાનું પણ અધઃપતન નોતરી બેસે છે. આવું ન થાય એ માટે શહેર પોલીસે નશાકારક પદાર્થોનું વેંચાણ અને હેરફેર અટકે તે માટે આકરી કાર્યવાહીઓ કરી છે, કરી રહી છે. આવા ગુના આચરનારા શખ્સો જામીન મુકત થઇ ફરીથી આવી પ્રવૃતિ ન આચરે તે માટે પણ પોલીસ કમિશનરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ તેના પર ખાસ વોચ રખાય છે.

આને કારણે એક વખત પકડાયા હોય અને ફરીથી આવી પ્રવૃતિ કરે તો તુરત જ તેને પકડી લેવાય છે. ૨૦૨૦માં આવા છ શખ્સો અને આજ સુધીમાં ૮ શખ્સોને નારકોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના ગેરકાયદેસર વેપાર અટકાવવા તેને પીઆઇટીએનડીપીએસ એકટ ૧૯૮૮ હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે.

શ્રી જાડેજાએ વધુમાં કહ્યું કે શહેર પોલીસ અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હોપ કાર્યક્રમ અંતર્ગત પણ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સ્તરે તંદુરસ્ત વાતાવરણ ઉભુ કરે અને નશાખોરીથી દુર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. ૧૪ થી ૨૪ વર્ષના છાત્ર સમુહને પ્રાથમિકતા આપી ભ્રામકતાથી દૂર રહેવા સમજાવવા માટે સેમીનાર યોજાય છે. અત્યાર સુધીમાં આવી ૧૦૦ જેટલી શાળા-કોલેજોમાં સેમિનારો યોજી ૧ લાખ છાત્રો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્ય પોલીસવડા, પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જના વડાશ્રીઓ તથા તમામ પોલીસ અધિક્ષકશ્રીઓની એનડીપીએસ એકટ હેઠળ થયેલી કામગીરી બાબતની કોન્ફરસ્ન યોજાઇ હતી. તેમાં રાજકોટ શહેરની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી હતી અને ખુદ ડીજીપીશ્રીએ રાજકોટ પોલીસની આ કામગીરીની પ્રસંશા કરી હતી.

મહિલા કોન્સ. સોનાબેન-શાંતુબેનનું સન્માન

તાજેતરમાં એનડીપીએસના ગુનામાં ફરાર સુધા ધામેલીયાનો પીછો કરી એસઓજી-પેરોલ ફરલો સ્કવોડના કર્મચારીઓ ખાસ કરીને બે મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળીયા અને શાંતુબેન મુળીયાએ તેણીને ઝડપી લીધી તે બદલ તેનું પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા પ્રશંસાપત્ર આપી ખાસ સન્માન કરવામાં આવ્યું છે.

(3:21 pm IST)