Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ભાડું કરવાના બહાને બહુમાળી ભવન પાસેથી સાત લાખની કાર લઈ ભાગી બે લાખમાં ગિરવે મુકી મોજ કરી : મનદિપ પટેલ સુરતથી પકડાયો

જૂગારની લત્તને કારણે દોઢ બે કરોડનું દેણું થતાં રાજકોટ છોડી ભાગવું પડ્યું'તું: હજુ લેણદારો શોધે છે : કાર ગિરવે રાખનાર મિત્ર સાયલાના ગરાંભડીના વિજય ખવડની પણ ધરપકડઃ બંને જેલહવાલે થયા : પ્રદ્યુમનનગરના પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઈ કે.ડી. પટેલ, દેવશીભાઈ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા સહિતની ટીમની કામગીરી મનદિપ વિરૂધ્ધ અગાઉ ચોરી, જૂગાર સહિતના ૧૦ ગુનાઃ વિજય વિરૂધ્ધ હત્યા, આર્મ્સ એકટ, ધાડના ૦૫ ગુના

રાજકોટ તા. ૫: કાર ભાડે કરવાના બહાને કાર માલિકને બહુમાળી ભવન પાસે વાતચીત કરવા બોલાવ્યા બાદ તેની સાથે પાન ફાકી ખાધા બાદ ઝડપથી કાર તરફ દોડી ચાવી તેમાં જ રાખી હોઇ ૭ લાખની કિંમતની કાર ચાલુ કરી ભાગી જનારા મુળ રાજકોટના હાલ સુરત રહેતાં ગઠીયાને પ્ર.નગર પોલીસે સુરતથી દબોચી લીધો છે. તેણે આ કાર પોતાના સાયલા પંથકના ગામમાં રહેતાં મિત્ર પાસે બે લાખમાં ગિરવે મુકી રોકડા રૂપિયા લઇ લીધા હતાં અને મોજશોખમાં વાપરી નાંખ્યા હતાં. તેના મિત્રને પણ દબોચી લઇ કાર કબ્જે કરી છે. બંને શખ્સ જેલહવાલે થયા છે. ગઠીયાગીરી કરનાર શખ્સને જૂગારની લત્ત લાગી ગઇ હોઇ દોઢ બે કરોડનું દેણું થઇ જતાં તે રાજકોટ છોડીને ભાગી ગયો હતો. હજુ પણ લેણદારો તેને શોધી રહ્યાનું પોલીસ સુચતેરે કહ્યું હતું.

છેતરપીંડી મામલે પ્ર.નગર પોલીસમા નોંધાયેલા આ ગુનામાં પોલીસે મુળ રાજકોટ મોરબી રોડ સિલ્વર પાર્ક-૦૨ મહાકાલ મારબલ પાછળ રહેતાં હાલ સુરતના કામરેજ કુમકુમ સોસયાટી-૫માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં મનદિપ હસમુખભાઇ વેકરીયા (પટેલ) (ઉ.વ.૩૦)ને તે સુરત હોવાનું તેનું મોબાઇલ લોકેશન મળતાં તેના આધારે ત્યાંથી પકડી લીધો હતો.

ગત ૧૮/૬ના મનદિપ રાજકોટ આવ્યો હતો ત્યારે પોતાને ઘેલા સોમનાથ જવા માટે કાર ભાડે કરવી છે તે પ્રકારનો ફોન ભાડાનું કામ કરતાં બિહારીભાઇ ભોગીભાઇ બગથરલીયા (ઉ.૩૪-રહે. રંગોલી પાર્ક, ગુ.હા. બોર્ડ કવાર્ટર જી-૧૧૦૪, નવા ૧૫૦ રીંગ રોડ)ને કરતાં તે પોતાની અર્ટીગા કાર જીજે૦૩એલએમ-૩૦૦૯ લઇ ફોનમાં થયેલી વાત મુજબ બહુમાળી ભવન ચોકમાં આવેલ. મનદિપે તેની સાથે વાતોચીતો કરી હતી અને બાદમાં પાન ફાકી ખાવા તેને નજીકમાં લઇ ગયો હતો. ત્યારે બિહારીભાઇએ ચાવી કારમાં જ રાખી દીધી હતી.

પાન ફાકી ખાધા બાદ દોટ મુકી મનદિપ કારમાં બેસી ગયો હતો અને ચાવી તેમાં જ હોઇ ચાલુ કરી ભાગીગયો હતો. તેને સુરતથી પકડી લઇ પુછતાછ કરતાં કાર પોતાના મિત્ર સાયલાના ગરાંભડી ગામે રહેતાં વિજય લઘુભાઇ ખવડને ગિરવે આપી તેની પાસેથી બે લાખ લઇ સુરત જઇ મોજશોખમાં વાપરી નાંખ્યાનું રટણ કરતાં પોલીસ ગરાંભડી ગામે પહોંચી હતી અને વિજયને દબોચી લઇ કાર કબ્જે કરી હતી.

મનદિપ વિરૂધ્ધ અગાઉ બી-ડિવીઝન, થોરાળા, પ્ર.નગર, કુવાડવા, સાયલમાં આ પ્રકારે ચોરીના તથા જૂગારના મળી ૧૦ ગુના નોંધાઇ ચુકયા છે. જ્યારે વિજય વિરૂધ્ધ સાયલામાં હત્યા, આર્મ્સ એકટ, ચુડામાં આર્મ્સ એકટ, સાયલામાં રાયોટીંગ, તથા ધાડ સહિતની કલમો હેઠળ પાંચ ગુના નોંધાઇ ચુકયા છે. બંનેને રાજકોટ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે થયા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ સહિતે આ કામગીરી કરી હતી.

(3:22 pm IST)