Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ડીઝલના ભાવ વધતા ટ્રાવેલ્સના ધંધાર્થીઓની હાલત વધુ કફોડીઃ એક ટ્રીપ પર રૂ.૭ થી ૮ હજારનું નુકસાન

ડીઝલના ભાવમાં રાહત આપવા રાજય આપવા રાજય સરકારને રજુઆત કરાશેઃ ટ્રાવેલ્સ એસોસીએશન : ૫૦ થી ૬૦ ટકા બસો બંધ કરી દેવાઈ, મુસાફરોની સંખ્યા પણ ઓછી

રાજકોટ તા ૫: હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ બરોજ વધારો થઇ રહ્યો છે. કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધી શકે છે. ડીઝલના ભાવમાં વધારો થતા ટ્રાવેલ્સમાં એક ટ્રીપ પર ૭ થી ૮ હજાર સુધીનું નુકસાન થઇ રહ્યું છે.

કોરોના મહામારીના કારણે દરેક વ્યવસાય પર અસર પહોંચી છે. લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે. અને બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ બરોજ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રકથી લઇ રીક્ષા સુધીના દરેક ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલના ભાવ વધતા અસર પહોંચી રહી છે. અને ભાડામાં વધારો પણ કરવાની વિચારી રહ્યા છે. જો કે ટ્રાવેલ્સના વેપારીઓની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

ડીઝલના ભાવ વધતા તેઓ ભાવ વધારે તો પણ તેઓને આર્થિક નુકસાન જવાની ભીતિ છે. આ અંગે રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દસરથસિંહ વાળાએ જણાવ્યું કે, હાલમાં કોરોનાને કારણે  મુસાફરોની  પ્રમાણમાં સંખ્યા નહીં થતા ૫૦ થી ૬૦ ટકા બસ બંધ કરી દેવામાં આવી છે. અને જે રૂટ ચાલુ છે તેમાં પણ પેસેન્જરોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી રહી છે. જેના કારણે પહેલેથી જ નુકસાન થઇ રહ્યું છે. અને તેમાં પણ દિન પ્રતિદિન ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ટ્રાવેલ્સના માલિકોને વધુ નુકસાન પહોંચી રહ્યું છે.

 હાલની સ્થિતિમાં મુસાફરોનું ભાડું વધારી શકાય તેમ પણ નથી. કારણકે પહેલેથી જ મુસાફરોની સંખ્યા ઘણી ઓછી છે. અને જો ભાડું વધારવામાં આવે તો મુસાફરો ટ્રાવેલ્સમાં જવાનું ટાળશે. હાલની સ્થિતિમાં ડીઝલના ભાવ વધારવામાં આવતા ટ્રાવેલ્સમાં દરેક ટ્રીપ ઉપર ૭ થી ૮ હજારનું નુકસાન થઇ રહ્યું છે. મહિનાનું અંદાજિત ૧,૨૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ જેટલું નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. જયારે ડીઝલના ભાવ યોગ્ય હતા ત્યારે દરેક ટ્રીપ પર ૯,૦૦૦ - ૧૦,૦૦૦ જેટલો નફો થતો હતો. જો કે અત્યારે નફો તો દૂરની વાત રહી ઉલ્ટાનો નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

આગામી સમયમાં રાજ્ય સરકારને ડીઝલના ભાવમાં થોડી રાહત આપવા અંગેની રજુઆત કરશુ. જેના કારણે ટ્રાવેલ્સનો વ્યવસાય ટકી રહે.

(3:23 pm IST)