Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટમાં મકાન પચાવી પાડતા નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદમાં મુખ્ય આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૫: રાજકોટના જંકશન પ્લોટના સિંધી કોલોનીમાં આવેલ કિંમતી મકાન પચાવવા ખોટા દસ્તાવેજો બનાવી મકાનમાં ગેંગસ્ટરનો કબ્જો કરી લેતા નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદના કામે મુખ્ય આરોપી અબામહંમદ જાબરીના જામીન હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના જંકશન પ્લોટનાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ સિંધી કોલોનીમાં ફરીયાદી રાજકુમાર હેંમતદાસ ધનરાજાણી (સિંધી)ના માતુશ્રીની માલિકીનું રહેણાંક મકાન આરોપી અબામહંમદ ઉંમરભાઈ જાબરી તથા રીયાઝ ઇસ્માઈલ દલનાએ કોઈપણ જાતના માલિકી, હકક કે આધાર વિના જમીનનો ખોટો ભાડા કરાર કરી ફરીયાદીના રહેણાંક મકાન ઉપર કબ્જો કરી લીધેલ અને સમગ્ર પ્રકરણને ખોટી કાયદાકીય આંટીઘુંટીમાં નાખવા બન્ને આરોપીઓએ એકબીજા વિરૂઘ્ધ સિવીલ દાવો કરી મકાનનું ટાઈટલ બગાડી નાખવા પ્રયત્ન કરેલ જે દાવો રદ થઈ ગયા બાદ ફરીયાદી પોતાના મકાનનો કબ્જો લેવા જતા આરોપી તલવાર જેવા હથીયારો લઈ તેની પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકીઓ દેતા આરોપીઓ સામે રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ–૪૬પ, ૪૬૭, પ૦૬ (ર) વિગેરે તથા લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ–૩, ૪, પ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.

આરોપી વિરૂઘ્ધ ગુન્હો દાખલ થતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતા આરોપીઓને જેલ હવાલે કરતા આરોપી અબામહંમદ ઉંમરભાઈ જાબરીએ ગુજરાત હાઈકોર્ટમાં તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે જામીન અરજી કરી એવી રજુઆત કરેલ હતી કે પોલીસ ફરીયાદમાં દર્શાવેલ સહઆરોપી રીયાઝ સાથે અરજદારને કોઈ સ્નાન–સુતકનો સંબંધ નથી. તેથી જામીન અરજી મંજુર કરવી જોઇએ.

જયારે સામાપક્ષે પોલીસ દ્વારા પોતાની કામગીરીનો બચાવ કરતા એવી રજુઆત કરાયેલ કે અરજદાર સામે ફરીયાદીનું મકાન પચાવી પાડવાનો અને ફરીયાદીને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીનો મજુબત પુરાવો રેકર્ડ પર છે ત્યારે અરજદાર જામીન પર મુકત કરીએથી સાહેદોના જીવનું જોખમ વધી જશે અને કેસના ન્યાયીક નિર્ણયમાં વિલંબ થશે તેમ જણાવી અરજદારની જામીન અરજી નામંજુર કરવા દલીલો કરવામાં આવેલ હતી. પરંતુ કોર્ટે બંને પક્ષોની રજૂઆત બાદ જામીન અરજી મંજુરી કરી હતી.

આ કામમાં અરજદાર અબામહંમદ જાબરી વતી એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા વિગેરે રોકાયેલ હતા.

(3:23 pm IST)