Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે કલેકટર કચેરીએ શાબ્દિક ટપાટપી : પક્ષના નેતાઓ ઉપરના હુમલા રોકો : રક્ષણ પુરૃં પાડો

પોલીસે કલેકટર કચેરીની અંદર નીચે મામલતદારને આવેદન આપવાનું જણાવતા મામલો ઉગ્ર બન્યો

આજે આપ દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર થતા હુમલાઓ સામે કલેકટરને આવેદન અપાયું હતું. કલેકટર કચેરીની અંદર જવા બાબતે પોલીસ સાથે શાબ્દિક ટપાટપી સર્જાઇ હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : આજે આમ આદમી પાર્ટી - આપે કલેકટરને આવેદન પાઠવી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર તેમજ તેમના પરિવાર ઉપર થતા વારંવાર હુમલાઓ રોકવા અને સલામતી પુરી પાડવા માંગણી કરી હતી. આવેદન દેવા સમયે આપના આગેવાનો અને પ્ર.નગર પીએસઆઇ વચ્ચે સતત ૧૫ મીનીટ સુધી કલેકટર કચેરીની અંદર જવા બાબતે ભારે માથાકુટ થઇ હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી તેમજ મહેશભાઇ સવાણી સહિતના નેતાઓ ઉપર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધીના દરેક હુમલાઓમાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજીક તત્વોનું સત્તાધારી ભાજપ પક્ષના કાર્યકર ફોટા આઇડી સાથે જાહેર થયેલ તેમજ કનેકશન હોવાનું સામે આવ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ ઉપર છાશવારે હિંસક હુમલાઓ કરવા અને બેનર ફાડવા, કાળા કલર કરવા તે સદંતર અયોગ્ય અને અસ્વિકાર્ય છે. વિચારધારાની લડાઇમાં હિંસાને કોઇ સ્થાન હોવું જોઇએ નહી ત્યારે અમારી આમ આદમી પાર્ટીની ટીમની રજૂઆત છે કે અત્યાર સુધી બનેલી હુમલાઓની ઘટનાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પાર્ટીના પ્રદેશના નેતાઓને પુરી સલામતી પુરી પાડવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા પુરી પાડવામાં આવે. અમારી ઉપરોકત માંગણીને ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરવા મજબૂર થઇશું. આવેદન દેવામાં રાજકોટના અધ્યક્ષ શિવલાલ પટેલ અને અન્યો જોડાયા હતા.

(3:33 pm IST)