Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

પાણી કેટલું છે તે જોવા માટે નમ્યા ને ભોં ટાકામાં પડી ગયાઃ ઇલાબેન દુધાત્રાનું મોત

કોઠારીયા રોડ શિવરંજની પાર્કમાં જીવલેણ દૂર્ઘટનાઃ માસુમ દિકરો મા વિહોણો થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ પર શિવરંજની પાર્કમાં રહેતાં મહિલાનું ભોં ટાંકામાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાણી કેટલુંક છે એ જોવાના પ્રયાસમાં આ જીવલેણ દૂર્ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શિવરંજની પાર્કમાં  રહેતાં ઇલાબેન અશોકભાઇ દુધાત્રા (ઉ.વ.૩૭) નામના મહિલા ભોં ટાંકામાં પડી જતાં પતિ અશોકભાઇને જાણ થતાં તુરત જ તેમને બહાર કાઢ્યા હતાં. પરંતુ તેઓ પાણી પી ગયા હોઇ બેભાન થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં ગાડી પહોંચી હતી. તેના ઇએમટીએ ઇલાબેનને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ પોલીસને થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. વી. કડછા સહિતે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઇલાબેન ભોં ટાકામાં પાણી કેટલુ ભરેલુ છે તે જોવા માટે નીચે નમ્યા ત્યારે અકસ્માતે અંદર પડી ગયા હતાં. તેમના પતિ અશોકભાઇ ભાણજીભાઇ દુધાત્રા કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર છે. જે મા વિહોણો થતાં ગમગીની છવાઇ ગઇ છે.

(4:03 pm IST)