Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ફાળદંગના વૃધ્ધ પટેલ દંપતિની હત્યાના પ્રયાસમાં મોઇન અને મહિપત પકડાયાઃ શિવરાજની શોધ

અપહરણ કરી ખંડણી વસુલી હતી એ પછી જામીન પર છુટી શીવકુએ ફરી ગુંડાગીરી આચરી હતી : પીએસઆઇ પી. જી. રોહડીયા અને અરવિંદભાઇ ડી. મકવાણાની બાતમી પરથી બંનેને પકડી લેવાયા

રાજકોટ તા. ૫: કુવાડવા તાબેના ફાળદંગમાં રહેતાં પટેલ વૃધ્ધનું અપહરણ કરી ખંડણી વસુલનારા શિવરાજ ઉર્ફ શિવકુ વાળાએ આ ગુનામાં જામીન પર છુટ્યા બાદ ફરીથી પટેલ વૃધ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટના ઘરમાં ઘુસી સાગ્રીતો સાથે મળી તેમના પર ધોકા-પાઇપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને વૃધ્ધના પત્નિને પણ માર માર્યો હતો. આ ગુનામાં કુવાડવા રોડ પોલીસે બે આરોપી મહિપત વજાભાઇ ચાવડા (ઉ.૩૬-રહે. ડેરોઇ તા. રાજકોટ) અને મોઇન સતારભાઇ ચોૈહાણ (ઉ.૨૧-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર)ને પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયા અને હેડકોન્સ. અરવિંદભાઇ ડી. મકવાણાની બાતમી પરથી પકડી લીધા છે.

ગુનો દાખલ થયો તેમાં સુત્રધાર શિવરાજ ઉર્ફ શિવકુ વાળા સાથે મહિપતનું પણ નામ હતું. મહિપત અને મોઇન બનાવ બાદ રખડતા ભટકતા છુપાતાં રહેતાં હતાં. ગઇકાલે કુવાડવા પોલીસની હદમાં આવ્યાની માહિતી પરથી ઉઠાવી લેવાયા હતાં. શિવરાજ ઉર્ફ શિવકુની શોધખોળ યથાવત છે.

પકડાયેલામાં મોઇન વિરૂધ્ધ અગાઉ મારમારી, હત્યાની કોશિષ અને ફરજમાં રૂકાવટના ત્રણ ગુના તથા મહિપત વિરૂધ્ધ દારૂના બે ગુના નોંધાઇ ચુકયા છે. સીપી, જેસીપી, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. હરેશભાઇ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા બંને શખ્સની આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી.

(11:52 am IST)