Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારના મામલે રાજકોટ પોલીસે કરેલી કડક કાર્યવાહીની હાઇકોર્ટએ નોંધ લીધી

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ચાર ગુનાઓની સમગ્ર માહિતીનો રિપોર્ટ સરકારી વકિલ દ્વારા રજૂ કરાવ્યો હતો

રાજકોટ તા. ૫: શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં ઉપયોગમાં લેવામા ંઆવતાં રેમડેસિવિર ઇન્જેકશનનના કાળાબજાર કરનારા સામે ચાર ગુના નોંધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવતાં હાઇકોર્ટ દ્વારા આ કાર્યવાહીની નોંધ લઇ રાજકોટ શહેર પોલીસની કામગીરીની નોંધ લીધી છે.

શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકશનની વધુ જરૂરીયાત રહેતી હોઇ આ ઇન્જેકશનની અછત હોવાથી તેનો લાભ ઉઠાવી કેટલાક લોકો કાળાબજાર કરી રહ્યા હોઇ તેની સામે તપાસ કરી કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી તથા એસઓજી પીઆઇ આર.વાય. રાવલે ક્રાઇમ બ્રાંચની ટીમોને કામે લગાડી હતી.

દરમિયાન આ ટીમે તપાસ કરતાં રેમડેસ્િવિર ઇન્જેકશનના કાળા બજાર કરનારા એક યુવતિ સહિત પાંચ પકડાયા હતાં. તેમજ આવા ઇન્જેકશનનના ખોટા બીલ બનાવી કોૈભાંડ આચરનારાઓને તેમજ કોરોનાની સારવાર કરી ન શકે તેમ હોવા છતાં બીએચએમએસ ડોકટરે સારવાર કરી હોઇ તેમજ બીજા બે શખ્સોની મદદથી રેમડેસિવિર ઇન્જેકશન મેળવી તેની વધુ ફી વસુલી હોઇ આ અંગેના ચાર ગુના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બાબતે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ મંગાવવામાં આવતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા રિપોર્ટ તૈયાર કરાવાયો હતો અને સમગ્ર કામગીરીની માહિતી સરકારી વકિલશ્રી મારફત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. શહેર પોલીસની કામગીરીનો રિપોર્ટ રજૂ થતાં હાઇકોર્ટ દ્વારા મહામારીના સમયે લેભાગુ તત્વો પૈસાની લાલચમાં ગેરકાયદેસર કૃત્યો કરે તેને ગંભીર ગણાવવામાં આવેલ છે તેમજ આ મામલે રાજકોટ શહેર પોલીસે કરેલી સખ્ત કામગીરીની પણ નોંધ લીધી છે.

નોંધનીય છે કે ગઇકાલે ઇન્જેકશનનો વધુ એક ગુનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં  દાખલ થયો છે.

(3:47 pm IST)