Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

માર્કેટયાર્ડમાં મતવર્ષાઃ બપોર સુધીમાં ૮પ ટકાથી વધુ મતદાન

૧.૩૦ વાગ્યા સુધીમાં ૧૩૦૦થી વધુ ખેડુતો અને પ૦૦થી વધુ વેપારીઓનું મતદાનઃ કાલે મત ગણતરી : બેડી માર્કેટયાર્ડમાં સવારથી જ મતદારોની કતારો અને કાર્યકરોના ટોળેટોળાઃ સોશ્યલ ડીસ્ટન્સ સાવ ભૂલાયુઃ શાંતિપૂર્ણ માહોલઃ ભાજપ પ્રેરિત પેનલ અને કિસાન સંઘ વચ્ચે સ્પર્ધાઃ અમૂક બેઠકોમાં ભાજપ વિરોધી ક્રોસ વોટીંગની ભીતિ

પવિત્ર ફરજ : બેડી માર્કેટ યાર્ડ ખાતે આજે સવારથી જ મતદાન માટે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના મતદારોએ લાઇન લગાવી છે. બપોર સુધીમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સર્વશ્રી ડી.કે.સખિયા, જયેશ બોઘરા, ભૂપત બોદર, નીતિન ઢાંકેચા, વિજય દેસાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, વિજય સખિયા વગેરેએ મતદાન કરેલ. પરસોત્તમ સાવલિયા અને શ્રી નંદાણ્યિા સંઘ વિભાગમાં બિનહરીફ થઇ ગયા છે. આજે મતદાન સ્થળે મતદારો અને ટેકેદારોના ટોળેટોળા ઉમટતા સોશ્યલ ડીસ્ટન્સ સહિતની કોરોનાની ગાઇડ લાઇન એક બાજુ રહી ગઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડની ખેતી વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ મળી કુલ ૧૪ બેઠકો માટે સવારે ૯ થી પ વાગ્યા સુધી મતદાન યોજાયેલ છે. ખેતી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ અને સામે કિસાન સંઘ પ્રેરિત પેનલ છે. વેપારી વિભાગમાં ભાજપ સમર્પિત પેનલ અને વેપારી હિતરક્ષક પેનલ ઉપરાંત અન્ય બે ઉમેદવારો મેદાને છે. ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોને ગઇકાલે સાંજે કેમ્પ કરાવી આજે સવારે સીધા મતદાન મથકે લાવવામાં આવેલ. આ લખાય છે ત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે. બપોર સુધીમાં ૮પ ટકાથી વધુ મતદાન થઇ ગયું છે.

આવતીકાલે સવારે ૯ વાગ્યાથી યાર્ડ ખાતે જ મત ગણતરી થશે. ખેતી વિભાગ માટે ૪ અને વેપારી વિભાગ માટે ૧ મતદાન મથક છે.

બપોર સુધીમાં ૮પ ટકાથી વધુ મતદાન થઇ ગયેલ. ૧.૩૦ વાગ્યા પછી મળતા અહેવાલ મુજબ ખેતી વિભાગમાં ૧૪૩ર માંથી ૧૩રર મત પડી ગયા છે. વેપારી વિભાગમાં પ૭૦ પૈકી પ૦૯ મત પડયા છે. હવે છૂટાછવાયા મતદારો આવી રહ્યા છે. ૯૦ ટકા આસપાસ મતદાન રહેશે.

માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો હતો. ભાજપના બે જૂથો વચ્ચેની ખેચતાણના અંતે પાર્ટી પ્રેરિત પેનલ જાહેર થયેલ. જેમાં મારા-તારા ઉપરાંત સગાવાદની અસર દેખાઇ આવતી હતી. બીજી તરફ કિશાન સંઘના દિલીપ સખિયાએ ખેતી વિભાગમાં સમાંતર પેનલ ઉતારતા ચૂંટણી બિનહરીફ કરાવવાના શાસક જુથના પ્રયાસો પર પાણી ફરી વળ્યું હતું.

બેડી યાર્ડમાં આજનું મતદાન ૯૦ ટકા આસપાસ પહોંચી ગયું છે. કાલે સવારે ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. ચૂંટણીની વ્યવસ્થા જિલ્લા રજીસ્ટ્રાર શ્રી કપુરીયા સંભાળી રહ્યા છે. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના બે-ત્રણ ઉમેદવારો વિરૂધ્ધ નોંધપાત્ર ક્રોસ વોટીંગ થવાની શકયતા છે. માથા ભેગા કરવામાં ભાજપ પ્રેરિત પેનલે જોર દેખાડેલ. કાલે મતપેટીમાંથી પરિણામ પ્રગટે ત્યારે તાકાતના પારખા થઇ જશે.

(3:16 pm IST)